ચૂંટણી પહેલા કોંગ્રેસ હાલ ગુજરાતમાં એક બાદ એક સમાજ આધારિત રાજકીય સમીરકણો ગોઠવી મજબૂતીથી ગોઠવી રહી છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની વાત હવે લગભગ પાકી થઇ ગઇ છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેત મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ મોટો ફટકો પાડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રી બની ગયેલા કુંવરજી બાવળીયા ફરી પક્ષપલટો કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. કમળનો સાથે છોડી બાવળિયા હવે ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટનો બીજો મોટો ચહેરો પરસોતમ સોલંકી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી શકે તેવા પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.
કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાતો કોંગ્રેસના સૂત્રો દ્વારા મળી રહી છે. આ બંને નેતાઑને ભાજપમાં હાલ પુરતા સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. બંને નેતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેથી સૌરાષ્ટ્રના નેતાઓની મદદથી રઘુ શર્મા સાથે ટેલિફોનિક વાત થઇ ગઈ હોવાનું જાણવા મળે છે. જો નરેશ પટેલ, કુંવરજી અને પરસોત્તમ સોલંકી કદાચ કોંગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ ઊંધો પડી શકે તેમ છે.