મોદી સરકારે બનાવેલા 3 નવા કૃષિ કાયદા સામેનો વિરોધ હજી પણ શાંત થતો નથી. સરકાર સાથે યોજાયેલી 10 બેઠકો નિષ્ફળ રહ્યા બાદ સરકારે ખેડૂતોને 18 માસ માટે કાયદા સ્થગિત રાખવા પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ ખેડૂતોએ ફરી સરકારના આ પ્રસ્તાવને ફગાવી દેતાં મામલો ઠેરનો ઠેર રહી ગયો છે. નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગ સાથે ખેડૂતો મક્કમ છે. બુધવારે બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આજે અમારો પ્રયાસ હતો કે કોઈ નિર્ણય થાય. પણ ખેડૂત યુનિયન કાયદા પરત લેવાની માગ પર મક્કમ રહેતા ઉકેલ આવી શક્યો નથી. સરકાર ખુલ્લા મનથી કાનૂનના પ્રાવધાનો વિશે વિચાર અને સંશોધન કરવા તૈયાર છે. 2 મહિનાથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા હજારો ખેડૂતો પૈકી 50થી વધુ ખેડૂતોના અત્યાર સુધીમાં મોત થયા છે. જેમાં 25થી વધુ કિસાને તો કૃષિ કાયદાના વિરોધમાં જ આત્મહત્યા કરી લીધી છે.
બીજી તરફ ધાર્યું કરવામાં જ માનતી મોદી સરકાર માટે કદાચિત પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે, ખેડૂતોના આંદોલન સામે તે કંઈ કરી શકી નથી. કાયદા પરત ખેંચવાને લઈને મોદી સરકારની જાણે કે શાખ ધોવાતી હોય તે અત્યાર સુધી સરકારે કોઈ જ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો નથી. ઉલ્ટાનુ આંદોલન સાથે જોડાયેલા કેટલાક ખેડૂત નેતા સામે ઈડીને સહારે કાર્યવાહી શરૃ કરાઈ છે. જો કે, સરકારની આ હરકતો છતાં ખેડૂતોના ઉત્સાહમાં જરા પણ કમી આવી નથી. ગુરુવારે પણ કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના સરકારને પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો હતો. સરકારના પ્રસ્તાવ અંગે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાયદો પાછો લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પ્રસ્તાવ માનવાના નથી. વધુમાં 26 જાન્યુઆરી ખેડૂતોની ટ્રેકટર રેલી વિશે કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ખેડૂત નેતા જોગિંદર સિંહે કહ્યું કે સરકાર કાયદાને પરત નહીં લે ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશે. MSP પર કાનૂની અધિકારી લેવો તે જ અમારું લક્ષ્ય છે. અમે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. શુક્રવારે પણ સરકાર અને ખેડૂતોની વચ્ચે 11મી બેઠક યોજાનાર છે.