લદાખ સરહદે આઠ મહિનાથી ભારત સાથે સતત ઘર્ષણમાં ઉતરી રહેલા ચીને અરુણાચલ પ્રદેશમાં 4.5 કિમી અંદર એક ગામ વસાવી દીધું છે. વિસ્તારવાદની નીતિ ધરાવતું ચીન સરહદે સતત ભારતના વિસ્તારમાં ઘૂસી રહ્યું હોવાથી બંને દેશ વચ્ચે વિવાદ સર્જાય રહ્યો છે. આ પહેલા ચીન ભૂટાન વિસ્તારમાં આ પ્રકારની નીતિ અપનાવી રહ્યું હતુ. અરુણાચલ પ્રદેશની સીમા પાસે ચીને હાલ ગામડું વસાવી દીધું બોવાનું બહાર આવ્યું છે. આ ગામ અરુણાચલ પ્રદેશમાં એલએસીથી લગભગ 4.5 કિમી અંદર દેખાય છે. હકીકતમાં ત્સારી ચૂ ગામ નામનું આ ગામ અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં છે. જયાં અત્યાર સુધી ખુલ્લો વિસ્તાર હતો.
સુબનસિરી જિલ્લો ભારત અને ચીનની વચ્ચે ઘણાં સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. ઓક્ટોબરમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે થોડા સમયથી ભારતીય પક્ષ પોતાના આધારભૂત માળખાની સીમા પર વિકાસ કરી રહ્યું છે. અને સેનાની તૈનાતી કરી રહ્યું છે. જેથી વિવાદ વધી રહ્યો છે. જો કે તસવીરોથી સ્પષ્ટ થયું છે કે, ચીની ગામની પાસે ભારતનો કોઈ રોડ નથી. આ પહેલાં નવેમ્બર 2020માં અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવોએ લોકસભાને ચેતાવણી આપી હતી કે તેમના રાજ્યમાં ચીનની ઘૂષણખોરી વધી રહી છે. સુબનસિરી જિલ્લાનો તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો.
મીડિયામાં જારી થયેલા અહેવાલો મુજબ હાલ સેટેલાઈટ તસવીરો લોંચ થઈ છે. જો કે, તે તસ્વીર 2020ના નવેમ્બર મહિનાની હોવાનું મનાય છે. 2019માં આ વિસ્તારની સેટેલાઈટ તસવીરમાં ગામડું નજરે આવ્યું ન હતું. હાલની તસવીરને એક્સપર્ટને દેખાડવામાં આવતા તેઓએ ચીની ગામ અસ્તિત્વમાં આવી ગયાનું કબૂલ્યું હતુ. લદ્દાખમાં ભારત અને ચીની સેનાઓ આમને સામને છે ત્યારે ચીનની આ હરકત સામે ભારતે સખત વાંધો લીધો છે. ચીને એક વર્ષના સમયમાં જ આ ગામ વસાવી દીધું હોવાનું કહેવાય છે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રક્ષામંત્રી સાથે વાત કરવા અપીલ કરી હતી.