તાજેતરમાં જ દિલ્હીમાં એક પોલીસ કોન્સ્ટેબલને તેના ઉચ્ચ અધિકારીની સત્તાનો નરસો અનુભવ થયો હતો. આ કોન્સ્ટેબલનો વાંક એટલો હતો કે તે અજાણતામાં ગૃહ ખાતાના આધેડવયના એક ઉચ્ચ અધિકારીને તેની પ્રેમીકા સાથે જોઈ ગયો હતો. મળતી વિગતો મુજબ દીલ્હીના શીલજના નિર્જન રોડ પર શનિવારે મોડી રાત્રીએ ફરજ દરમિયાન એક કોન્સ્ટેબલ વાહનોની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પાસે ઊભેલી કારમાં શંકાસ્પદ હિલચાલ જણાતા કોન્સ્ટેબલ તરત જ કાર પાસે પહોંચ્યા હતા. જે બાદ તેમણે તપાસ કરી તો કારમાં એક આધેડ ઉંમરની વ્યકિત અને એક યુવતી બીભત્સ હાલતમાં દેખાયા હતા.
આથી કોન્સ્ટેબલે તરત જ તે બન્નેની પૂછપરછ આદરતા કારમાં સવાર આધેડ અકળાઈ ઉઠ્યા હતા. તેણે તે કોન્સ્ટેબલને તું મને ઓળખે છે ? તવો સવાલ કરી નાંખ્યો હતો. આ સમયે કોન્સ્ટેબલે હું તમને ઓળખતો નથી તેમ કહેતા આધેડે કોઈને ફોન કર્યો હતો. ત્યારબાદ માત્ર એક મિનિટમાં જ કોન્સ્ટેબલ પર તેમના ઉચ્ચ અધિકારીએ ફોન કરી કહ્યું હતુ કે, આ કપલની કોઈ પ્રકારની પૂછપરછ કરવાની નથી કે કોઈ કાયદાકીય કાર્યવાહી પણ કરવાની નથી. ઉચ્ચ અધિકારીના આદેશને પગલે તે કોન્સ્ટેબલે કપલને છોડી મૂકવાની નોબત આવી હતી. હવે આ ઘટનાના કેટલાક દિવસો થઈ ગયા ત્યારે કોન્સ્ટેબલ સામે ખાતાકીય કાર્યવાહી શરૃ થઈ હતી. સૌપ્રથમ તો તે કોન્સ્ટેબલ આશ્ચર્યમાં મુકાયો જયારે તેને નોટિસ મળી હતી. નોટીસમાં તેમની કામગીરી બાબતે ખુલાસો કરવા જણાવાયું છે. સુત્રોના જણાવ્યા મુજબ પેલો આધેડ આ પોલીસ કોન્સ્ટેબલને પાઠ ભણાવવા વિચારી રહ્યો હતો. જેમાં તેમને સસ્પેન્ડ કરવા સુધીની હિલચાલ હતી. જો કે, કડક કાર્યવાહી કર્યા બાદ કોન્સ્ટેબલ પણ સામી કાર્યવાહી કરે તો વિવાદ ઉભો થશે તેવા ડરે નોટીસ આપીને સંતોષ માની લેવાયો હતો. હાલમાં સચિવાલયમાં ગૃહખાતામાં ફરજ બજાવતા આધેડવયના અધિકારીનું આ પ્રેમપ્રકરણ અને કોન્સ્ટેબલ સાથેનો વ્યવહાર ચર્ચાનો વિષય બન્યો છે.