ગુજરાત સરકારે કોરોના મહામારીની માર્ગદર્શિકામાં તા.૨૬/૬થી કેટલીક છૂટછાટ નો અમલ કર્યો છે જેમાં એસટી નિગમની બસોમાં ૭૫ ટકા મુસાફરો બેસાડવાનો અવ્યવહારુ નિર્ણય કરવામાં આવ્યો છે જેનાથી સામાજિક દૂરીનો ભંગ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા દૈનિક મુસાફરો-નોકરિયાતો માટે જરૂરી પાસ સુવિધાયુક્ત ટ્રેન સેવા નહીં શરૂ કરીને ગ્રામ્ય બસ સેવા રદ કરવાની પરંપરા ચાલુ રાખી છે જેમાં દર રવિવારે મોટે ભાગે તમામ બસ સેવા બંધ રહે છે, જે પણ અવ્યવહારુ છે.
પ્રાપ્ત વિગત મુજબ મીની બસમાં ૨×૨ની બેઠક વ્યવસ્થા વાળી આઠ હરોળ હોય છે,જેના ૭૫ ટકા ૨૪ પ્રવાસી બેસાડવાના થાય, જે બે બેઠકની જોડીમાં એકને જ સામાજિક દૂરીના કારણે બેસાડતા માત્ર સોળ મુસાફરોને જ લઈ જઈ શકાય. તેજ રીતે ૫૨ બેઠકની મોટી ડિલક્ષ બસમાં સામાજિક દૂરી નું પાલન કરવાનું હોય તો માંડ ૩૦ ને બેસાડાય જ્યારે ૭૫ ટકા પ્રમાણે ૪૦ને બેસાડતા છડેચોક નિયમ ભંગ થાય.
આમ સરકાર અસમંજસ સર્જી અવ્યવહારું નિર્ણય લે છે. જ્યારે ખાનગી બસ, છકડા, રીક્ષા વિગેરેમાં બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાય છે જેમાં તંત્રો પ્રસાદી મળતી હોય આંખ આડા કાન કરે છે. પરિણામે નીતિ નિયમો પોથીમાંના રીંગણાં જેવા સાબિત થાય છે. આવા જડ નિયમોના કારણે જાહેર પરિવહન સેવા એસટી રેલવે ઓછી,અપૂરતી અનિયમિત હોય નાગરિકોએ ફરજિયાત અંગત વાહનો ખરીદીને સ્વાનિર્ભર થવું પડયું છે અરે હવે સો રૂપિયાને પાર ગયેલા પેટ્રોલ-ડીઝલના ભારે ખર્ચા કરી રોજ જોખમી મુસાફરી કરવી પડે છે ત્યારે માંડ જીવનનિર્વાહ થાય છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવા એસટી અને રેલવેને સો ટકા ચાલુ કરી મુસાફરોને પાસ આપી ભાડામાં પણ શક્ય ઘટાડો કરી પ્રોત્સાહિત કરે તો પર્યાવરણ અને બળતણમા રાહત થશે તથા સામુહિક મુસાફરી વધવાને કારણે માર્ગ અકસ્માતોની સંભાવના ઘટશે. સરકાર પરિવહન ક્ષેત્રે વ્યવહારુ લોકભોગ્ય નિર્ણય જલ્દી લે તેવું ભોગી રોજિંદા પ્રવાસ કરતી જનતા આશા રાખે છે.