ભારતમાં કોરોનાની બીજી લહેરનો હજી અંત નથી આવ્યો ત્યાં ઝિકા વાઇરસની દહેશતે સરકાર સુધી ખળભળાટ મચાવી દીધો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે દેશના બે રાજ્યો તમિલનાડુ અને કેરળમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકે પણ કેરળ સાથેના સરહદી જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરી છે. જેમાં ઝિકા વાઇરસને પ્રસરતો અટકાવવા ગાઇડલાઇન જારી કરી છે. સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ કરવા આદેશ કર્યા છે. ઉપરાતં ગીચ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા પગલા ભરવા તંત્રને સુચના આપી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 3 દિવસ પહેલાં કેરળમાં ઝિકા વાઇરસના ૧૪ દર્દી મળી આવ્યા હતા. આ કેસ નોંધાયા પછી કેરળ અને તામિલનાડુમાં ખાસ સતર્કતા રાખવી આવશ્યક બની છે. તેથી અહીં હાઇએલર્ટની જાહેરાત કરાઈ છે. ઝિકા વાઇરસનું પહેલું ક્લસ્ટર તામિલનાડુ અને કેરળની સરહદ પર તિરુવનંતપુરમથી ૩૪ કિમી દૂર આવેલા પારાસલ્લામાં મળી આવ્યું છે. ઝિકાનો દર્દી મળ્યા બાદ કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે રાજ્યના આરોગ્ય તંત્રને સતર્કતા સાથે ઝડપથી કામગીરી કરવાની સુચના આપી દીધી છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઝીકા વાયરસને લઈને સરકાર સતર્કત છે. કોઈ પણ સંજોગોમાં સંક્રમણ નહીં થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અમે ટેસ્ટિંગની સાથે રાજ્યમાં નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે.
બીજી તફ તામિલનાડુમાં કૃષ્ણાગિરિના અંચેતીમાં ઝિકા વાઇરસનો પહેલો કેસ મળતાં જ પ્રશાસન અને સરકાર સતર્ક થયા છે. તામિલનાડુના મુખ્ય આરોગ્ય સચિવ ડો. જે. રાધાકૃષ્ણને કહ્યું હતુ કે, ઝીકા વાયરસનો કેસ મળ્યા બાદ અમે તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તબીબોને ઝિકા વાઇરસના લક્ષણ ધરાવતા દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવા સૂચના જારી કરાઈ છે.