ભારતીય રેલ્વે દ્વારા સમયાંતરે ટ્રેનમાં મુસાફરી કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. રેલવે દ્વારા બદલાઈ રહેલા નિયમો વિશે તમારી પાસે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ વખતે રેલવેએ મુસાફરોને રાત્રે ઊંઘની સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવ્યા છે. આ પછી રાત્રે મુસાફરોની ઊંઘમાં ખલેલ નહીં પડે.
સમાચાર અનુસાર નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, હવે તમારી આસપાસનો કોઈ પણ ટ્રેન પેસેન્જર મોબાઈલ પર મોટેથી વાત કરી શકશે નહીં અને ન તો મોટા અવાજમાં ગીતો સાંભળી શકશે. મુસાફરોની ફરિયાદ મળવા પર રેલવે આવા લોકો સામે કાર્યવાહી કરશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિયમો હેઠળ એવી જોગવાઈ પણ છે કે જો ટ્રેનમાં મુસાફર તરફથી મળેલી ફરિયાદનું નિરાકરણ ન આવે તો ટ્રેન સ્ટાફની જવાબદારી નક્કી કરી શકાય છે. રેલવે મંત્રાલય દ્વારા તમામ ઝોનને આ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘણીવાર મુસાફરો બાજુની સીટ પર હાજર યાત્રીના મોબાઈલ પર મોટેથી વાત કરવાની અથવા સંગીત સાંભળવાની ફરિયાદ કરતા હતા. આ ઉપરાંત અમુક જૂથ રાત્રે મોટેથી વાતો કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. રેલવેના સ્કોટ અથવા મેઇન્ટેનન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટેથી વાત કરે છે ત્યારે આવા કિસ્સાઓ પણ ધ્યાન પર આવ્યા હતા. જેના કારણે મુસાફરોની ઉંઘ બગડી છે. રાત્રીના સમયે લાઇટો નાખવા બાબતે અવારનવાર તકરાર થતી હતી.