ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે રવિવારે પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચ જીત સાથે એક કારણે ખાસ બની હતી. આ વિરાટ કોહલીની 100મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ હતી અને તે આમ કરનાર બીજો ભારતીય બન્યો હતો. ભારતે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યુ હતુ. આશરે એક મહિનાના આરામ બાદ મેદાન પર વાપસી કરતા વિરાટ કોહલીએ આ મેચમાં 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા હતા.
વિરાટ કોહલી સિવાય આ મેચનો હીરો હાર્દિક પંડ્યાએ બેટ અને બોલ બન્નેથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ. હાર્દિક પંડ્યાએ પહેલા બોલિંગ દરમિયાન 3 વિકેટ ઝડપી હતી અને પછી દબાણમાં અણનમ 33 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાને સ્ટાઇલમાં જીતની રેખા પાર કરાવી હતી.
મેચ પછી પાકિસ્તાનના મિમ સ્ટાર મોમિન સાકિબે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી. મોમિને બન્ને મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.
વિરાટ કોહલી સાથે વાતચીતનો વીડિયો શેર કરતા મોમિને લખ્યુ, એક મહાન ખેલાડી અને એક વિનમ્ર વ્યક્તિત્વ. એકમાત્ર વિરાટ કોહલી, તેમણે પરત ફોર્મમાં જોઇને સારૂ લાગ્યુ. આજ રાત્રે શું રમત છે. હું આશા કરૂ છુ કે અમે ફાઇનલમાં મળીશુ.
આ મુલાકાત દરમિયાન મોમિને ભારતીય સ્ટારને કહ્યુ, જીત માટે શુભેચ્છા. આજનો દિવસ એક દુખદ દિવસ હતો પરંતુ આશા છે કે અમે ફરી ફાઇનલમાં મળીશુ.
તે બાદ સોશિયલ મીડિયા સ્ટારે પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પંડ્યાને મળીને કહ્યુ, શુભકામનાઓ, આઇપીએલની જીત સાથે શું વાપસી કરી છે, આજે પણ તમે શાનદાર રમ્યા. આશા કરૂ છુ કે અમે ફાઇનલમાં મળીશુ.
આ નાની મુલાકાતનો વીડિયો પોસ્ટ કરતા મોમિને કેપ્શન આપ્યુ, એક દમ બરાબરીની શાનદાર રમત. યુવા હોવા છતા અને કાચી પ્રતિભા સાથે, અમારા બોલરોએ અદભૂત કામ કર્યુ પરંતુ તમે સારી બેટિંગ કરી અને મેચ અમારાથી દૂર લઇ ગયા હાર્દિક પંડ્યા, ભાઇ તારી સિક્સર નહી ભૂલાય.