20થી 30 વર્ષની ઉંમરે જો તમે સ્થૂળતાથી પીડિત હોવ તો ભવિષ્યમાં યાદશક્તિ ઘટી શકે છે, તેવું તારણ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કાઢયું છે. યુવાનો માટે કરાયેલા આ રિસર્ચમા 15 હજાર યુવાનોની માહિતી અને વર્તણૂંક વિશે અવલોકન કરાયું છે. રિસર્ચ બાદ કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ ક્રિસ્ટિન યાફેએ કહ્યું કે, યુવાવસ્થામાં સ્થૂળતાને નિયંત્રણમાં રાખીએ તો મગજ પર પડતી ખરાબ અસરને રોકી શકાય છે. બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ ગ્લુકોઝ લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ નિયંત્રણ જેવી બાબતો તમારી તંદુરસ્તી માટે મહત્વની બાબત છે. કોલેસ્ટેરોલ વધવાથી તમારી વિચારવાની શક્તિને અસર થાય છે. આજે યુવાનોમાં ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને સ્થૂળતાના કેસ વધી રહ્યા છે. આ ઉંમરે આવી બધી વાત પર ધ્યાન આપવામાં નહીં આવશે તો બીજી તકલીફો વધી શકે છે. આથી ફિટ રહીને ઘણા બધા પ્રોબ્લેમથી દૂર રહી શકાય છે.
સ્થૂળતાથી પીડિત યુવાનોમાં હાર્ટ ડિસીઝનું જોખમ હોય છે તે વાત લગભગ મોટાભાગના લોકો જાણતા હોય છે. જો કે, સ્થૂળતાની અસર લાંબા સમયે મગજ પર પડતી હોય છે. 15 હજાર લોકો પર રિસર્ચ પછી સંશોધકોનો સ્પષ્ટ મત છે કે, યુવાવસ્થામાં જ સ્થૂળતાને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. રિસર્ચ કરનારાઓ કહે છે કે, જે યુવાનો વધારે વજન ધરાવે છે અને તેમનો બોડી માસ ઇન્ડેક્સ અને બ્લડ પ્રેશર ઓછી ઉંમરમાં ઉંચે જતું નોંધાય છે. તેના શરીરમાં ચરબી અને બ્લડ પ્રેશરને કારણે મગજ પર બમણી માઠી અસર પડે છે. આ ઉપરાંત તેમનું ગ્લુકોઝ લેવલ પણ 5 ગણું વધી શકે છે. 20થી 30 વર્ષની ઉંમરમાં જો કોઈનું વજન વધુ છે તો ભવિષ્યમાં તમારી યાદશક્તિ ઓછી થવાનો પુરેપુરો ભય છે. તમારી સમજવા તેમજ વિચારવાની ક્ષમતા ઘટી શકે છે.