નવસારીના ગણદેવીમાં કોરોનાના નીતિ નિયમોનું પાલન કરવા રાખવામાં આવેલી મિટિંગમાં પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર જગદીશ ચૌધરી, ગણદેવી ટીડીઓ ભાવના યાદવ જ માસ્ક વિહોણા દેખાતા પ્રશાસન પર હવે સવાલ ઉઠી રહ્યા છે. ગણદેવી તાલુકામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહયો છે. આ સાથે જ કોરોનાની ત્રીજી લહેરનો ખૌફ સતત વધી રહયો છે. તેવા સમયમાં શુક્રવારે કોરોના સામે સાવચેતીના પગલાંરૂપે ચીખલી પ્રાંત અધિકારી અને ગણદેવી તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગણદેવી તાલુકા પંચાયત કચેરીના સભા ખંડમાં તમામ ગામના સરપંચોને બોલાવીને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સ્ટેજ પર બિરાજમાન પ્રાંત અધિકારી અમિત ચૌધરી મામલતદાર જગદીશ ચૌધરી, ગણદેવી ટીડીઓ ભાવના યાદવ અને કારોબારી ચેરમેન ભુપેન્દ્ર પટેલ પણ માસ્ક વિહોણા દેખાયા હતા. આ બેઠકમાં જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હોય એવું ચિત્ર સ્પષ્ટપણે નજરે ચડ્યું હતું. ઉપસ્થિત લોકોમાં આ બાબતે હાસ્યનું મોજું ફરી પણ વળ્યું હતું. કોરોના સંક્રમણ અટકાવવા માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને માસ્ક ઉપયોગ કરવા બાબતે સરપંચોની મિટિંગ રાખવામાં આવી હતી.
આ મિટિંગમાં પદાધિકારીઓ અને અધિકારીઓ પોતે જ કોવિડ 19ના નિતી નિયમોનું પાલન કરવામાં ઉણા ઉતર્યા હતા ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જો પદાધિકારીઓ અને અધિકારીઓ જ કોરોના ગાઇડલાઇન્સનું પાલન ન કરતાં હોય તો પ્રજા પાસે શું અપેક્ષા રાખી શકાય.