આખરે ઇતિહાસમાં પહેલી વખત દેશમાં પેટ્રોલ વેચાણનો ભાવ 100 રૂપિયે લીટરે પહોંચ્યો છે. સતત છઠ્ઠા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતાં મધ્યપ્રદેશમાં પેટ્રોલના ભાવ લિટરે 100 રૂપિયા ઉપર પહોંચ્યો હતો. જો કે એ ભાવે પહોંચતા પેટ્રોલ પંપોએ પેટ્રોલનું વેચાણ બંધ કરવાની નોબત આવી હતી. કોરોનાને કાળને કારણે ઘણાએ નોકરી ગુમાવી છે, તો ઘણાએ પગાર કાપ વેઠવો પડી રહ્યો છે, એ સંજોગોમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં થતો વધારો આડકતરી રીતે મોંઘવારી વધારનારો જ બની રહે છે. આવક ઓછી થઇ છે, તો બીજી તરફ ખર્ચ વધી રહ્યો છે, તેને કારણે સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે અત્યારે રોજિંદી મુસાફરી માટે ટ્રેનોની સુવિધા થઇ નથી, ત્યારે નોકરિયાત વર્ગે નોકરી માટે અપડાઉન કરવા માટે વાહનોનો જ ઉપયોગ કરવો પડે છે. પરંતુ સરકાર અત્યારે તો પેટ્રોલ કે ડીઝલ પરનો ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવાના મૂડમાં લાગતો નથી. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક થઇને પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધારા સામે મૌન સાધીને બેઠી છે.
મધ્યપ્રદેશમાં પેટ્રોલના ભાવ લિટરે 100 રૂપિયા ઉપર પહોંચતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ જરૂરિયાત હોય એટલે પેટ્રોલ પણ પૂરાવવું જ પડતું હોય છે. પરંતુ ભોપાલના કેટલાય પેટ્રોલ પંપોએ ભાવ 100 રૂપિયા ઉપર પહોંચતા પેટ્રોલનું વેચાણ બંધ કરવું પડ્યું હતું. લોકોનો વિરોધ પણ ન હતો કે સરકારનો કોઇ આદેશ પણ ન હતો, છતાં એક આશ્ચર્યજનક કારણને કારણે પેટ્રોલ પંપોએ પેટ્રોલનું વેચાણ બંધ કરવું પડ્યું હતું. જે પેટ્રોલ પંપો પાસે જુના મશીનો છે, તેમાં બે જ ડીજીટની જોગવાઇ હોવાને કારણે પેટ્રોલના ભાવ 100 રૂપિયા થતાં ભાવ ત્રણ ડીજીટમાં દર્શાવી શકે એમ ન હતું. એ કારણે પેટ્રોલ પંપો કામ કરતાં બંધ થઇ જતા હતા. એ સંજોગોમાં પેટ્રોલ આપવું ખોટ ખાવા બરાબર જણાતા પેટ્રોલ પંપના માલિકાઓએ પેટ્રોલનું વેચાણ જ બંધ કરી દીધું હતું. આ રીતે પેટ્રોલના ભાવ વધતા જશે તો પ્રજાની મુશ્કેલી વધવાની છે. યાદ રહે કે પેટ્રોલના ભાવ વધવા સામે ભુતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ જે તે વખતની કોંગ્રેસ સરકાર સામે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરતા રહેતા હતા. પરંતુ હવે જ્યારે તેમની જ સરકાર છે, ત્યારે પ્રજાની વિડંબનાઓ સામે મોદી સરકાર સાવ મૂકપ્રેક્ષક બની રહી છે. અત્યારે ક્રૂડના ભાવ પણ સામાન્ય ચાલી રહ્યા છે, ત્યારે સરકારે ટેક્સ ઘટાડીને પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રાહત આપવાની જરૂર છે.