ભાજપના દીગ્ગજ પાટીદાર નેતા અને ડેપ્યૂટી સીએમ નીતિનભાઈ પટેલ શુક્રવારે એકાએક સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
જયાં તેઓએ કોરોનાની 100 દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીને રજા આપવામાં આવી હોય, તેઓને શુભેચ્છા આપી હતી.
આ સાથે જ પટેલે સોલા સિવિલના તમામ ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરી બિરદાવી તે તમામને પણ અભિનંદન આપ્યા હતા.
જે બાદ તેઓએ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીનો તાગ મેળવ્યો હતો.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દેવેન્દ્ર પરમારે 113 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી છે.
અત્યાર સુધીમાં કોરોના સામેના જંગમાં સૌથી લાંબી ચાલેલી સારવાર પરમારની છે. 59 વર્ષીય દેવેન્દ્ર પરમાર 112 દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાગ્રસ્ત થયા બાદ દેવેન્દ્ર પરમારને 90 દિવસ ICUમાં સારવાર અપાઈ હતી.
આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતા તેથી નીતિન પટેલ દેવેન્દ્ર પરમારને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. પટેલે પરમાર સિવાયના દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પહેલા દર્દી છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકીએ પણ 100થી વધુ દિવસ સુધી સારવાર મેળવી હતી. જો કે, સોલંકીએ તે માટે ખાનગી હોસ્પિટલનો સહારો લીધો હતો. સાજા થયેલા દર્દીઓને રજા અપાઈ ત્યારે ત્યાં હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે દર્દીનુ અભિવાદન પણ કર્યું હતુ.