ગુજરાતમાં રુપાણી સરકારે વચન પુરુ કરવામાં વિલંબ કરતા અમદાવાદમાં રિક્ષાચાલકોની ધીરજ ખુટી ગઈ છે. હવે ગુજરાત સરકાર 15 માર્ચ સુધી રાહત નહિ આપે તો રીક્ષા યુનિયન દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર યોગ્ય પ્રતિસાદ નહીં આપે તો અમદાવાદમાં આગામી 22 માર્ચથી રિક્ષાના પૈંડા થંભી જશે. જાગૃત ઓટો રીક્ષા યુનિયન અને અમદાવાદ રેલવે સ્ટેશન રીક્ષા ડ્રાઇવર્સ યુનિયનના જણાવ્યા પ્રમાણે કોરોના કાળથી રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. હજી પણ આ મુશકેલીઓ દૂર થવાનું નામ લેતી નથી. રુપાણી સરકારે અગાઉ રિક્ષાચાલકોને કેટલાક લાભ આપવાની જાહેરાત કરી હતી. આમ છતાં લાભો મળ્યા નથી. સરકાર સમક્ષ રિક્ષાચાલકોએ આખા રાજ્યમાં આવેદન આપીને પોતાની વ્યથા રજૂ કરી છે. હવે પણ જો સરકાર દ્વારા સકારાત્મક પ્રતિસાદ નહીં અપાશે તો આગામી 22મી માર્ચના રોજ અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે. રિક્ષાચાલકોના યુનિયને વધુમાં જણાવ્યું હતુ કે, સીએનજીના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે.
તેના ભાવ ઘટાડવામાં આવે તે આવશ્યક છે. આ ઉપરાંત રિક્ષા ચાલકોનો અસંગઠીત કામદારોમાં સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન આ રિક્ષાચાલકોને 70 દિવસ ઘરે બેસવુ પડ્યુ છે. તેથી તેનું બજેટ ખોરવાઈ ગયું છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા રિક્ષાચાલકોને યોગ્ય સહાય થવી જરૃરી છે. આ પહેલા હાઇકોર્ટમાં પીટીશન કરવામા આવી હતી. જેમા કોર્ટે રિક્ષા ચાલકોને સહાય આપવા સરકારને તાકીદ કરી હતી. જો કે, તે પછી સરકારના પેટનું પાણી હાલતુ નથી. આખરે અમદાવાદના જાગૃત રિક્ષા યુનિયન અને અમદાવાદ રેલ્વે સ્ટેશન રિક્ષા ડ્રાઇવર્સ યુનિયને હડતાળનુ શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારને 15મી માર્ચ સુધીની મહેતલ પણ આપવામાં આવી છે.