કાબુલ, અફઘાનિસ્તાનમાં સોમવારે સવારે ફરીથી રોકેટ છોડવામાં આવ્યા. અહીં કાબુલ એરપોર્ટ નજીક સવારે 6.40 વાગ્યે રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ રોકેટથી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ રોકેટના કારણે અલગ અલગ સ્થળોએ ધુમાડો વધી રહ્યો છે, ઘણી જગ્યાએ આગ પણ લાગી છે અને ઘણા વાહનોને નુકસાન થયું છે. આ ફાયરિંગ કોણે કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક મીડિયા અનુસાર, કાબુલ એરપોર્ટ નજીક યુનિવર્સિટીની બાજુમાંથી વાહન પરથી રોકેટ છોડવામાં આવ્યા હતા. કાબુલ એર ફિલ્ડ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અનેક રોકેટ નિષ્ફળ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અગાઉ પણ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, અમેરિકા દ્વારા કાબુલમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો, જેમાં ISIS-K આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા. રવિવારે સ્ટ્રાઇકમાં સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. જો કે, અમેરિકા દ્વારા પહેલેથી જ ચેતવણી જારી કરવામાં આવી હતી કે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ પર અનેક હુમલાઓ થઈ શકે છે.