ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખ્યાતિ દુનિયાના અનેક દેશો સુધી વિસ્તરેલી છે. ભારતમાં જ નહીં તેમના દુનિયાભરમાં અનેક ચાહકો છે. ભાજપ સાથે નહીં સકળાયેલા હોય કે, રાજનીતિમાં નહીં હોય તેવા લોકો પણ મોદીના નામ અને કામથી પરિચિત રહ્યા છે. તેમના જીવન પર એક વધુ ફિલ્મનું નિર્માણ થનાર છે. આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણને મુખ્ય ભૂમિકા નિભાવવાની જવાબદારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મમાં વડાપ્રધાન મોદી અને સ્વામી વિવેકાનંદના ચરિત્રનું ચિંત્રાંકન એક સાથે કરવામાં આવશે.
આ પહેલા હિંદીમાં નરેન્દ્ર મોદી નામની ફિલ્મ 2019માં પ્રદર્શિત થઈ ચૂકી છે. જેમાં વિવેક ઓબરોયએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જયારે ઓમકુમાર દ્વારા દિગદર્શિત આ ફિલ્મનું કથાવાર્તા અનિરુદ્ધ ચાવલા અને વિવેક ઓબરોયએ લખી હતી. તે સમયે ચૂંટણી સમયે આ ફિલ્મને રીલીઝ કરવા સામે કોંગ્રેસના કેટલાક નેતાઓએ વાંધો પણ લીધો હતો. હવે મોદીના નામે બીજી ફિલ્મ બનવા જઈ રહી છે.
ફિલ્મ દિગ્દર્શક મિલન ભૌમિકે ગુરુવારે આ માહિતી આપી હતી. ફિલ્મ દિગ્દર્શક મિલન ભૌમિકે વધુમાં જણાવ્યું હતુ કે, બી.આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં ગજેન્દ્ર ચૌહાણે યુધિષ્ઠિરની ભૂમિકા ભજવી હતી. તેમણે યુધિષ્ઠિર તરીકે જે કલાકારી અદા કરી તેનાથી દેશના લાખો લોકો પ્રભાવિત હતા.
હવે આ જ ગજેન્દ્ર ચૌહાણને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. ફિલ્મનું નામ એક ઓર નરેન રખાયું છે. તેમણે ઉમેર્યું હતુ કે, ફિલ્મના કથાનકમાં બે કિસ્સા હશે. એકમાં નરેન્દ્રનાથ દત્તના રૂપમાં સ્વામી વિવેકાનંદના કાર્ય અને જીવનને દર્શાવાશે. જયારે તેની સમાંતર ચાલતી સ્ટોરીમાં એટલે કે, બીજા કિસ્સામાં નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને દર્શકો સમક્ષ રજૂ કરાશે. ટૂંકમાં આ ફિલ્મમાં દેશની બે હસ્તીના જીવનકવન-કાર્યશૈલીને રજૂ કરાશે. વિવેકાનંદે પોતાનું જીવન વૈશ્વિક ભાઇચારાનો સંદેશો આપવામાં વીતાવ્યું હતુ. બીજું વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી છે, કે જેઓ ભારતને નવી ઊંચાઇએ લઈ ગયા છે.