ગુજરાતમાં કોરોના સંકટ સાથે જ રુપાણી સરકારના અણઘડ વહિવટની પોલ ખુલી ગઈ છે. રાજ્યમા કોરોના દર્દીઓને સારવાર આપવામા સર્જાયેલી અવ્યવસ્થા બાદ હવે GMERS હેઠળની ૮ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં સેવારત ડોક્ટરોએ પગાર, ભવિષ્ય નિધી જેવા અનેક પડતર પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ જો સરકાર આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહેશે તો આગામી દિવસોમાં આરોગ્ય સેવા પર અસર થવાની શકયતા છે. આ ફેકલ્ટી સાથે સરકારે તેમની સાથે ભેદભાવયુક્ત વલણ દાખવ્યું છે. તેમના કરતા વિદ્યાર્થીઓનું સ્ટાઈપન્ડ પણ વધારે છે. મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં આ તબીબોએ જણાવ્યું છે કે, ડોક્ટરોની ૫૦ ટકા ભરતી સહિતના પ્રશ્નો ઉકેલાયા નથી. આ ઉપરાંત પગાર સ્ટાઈપન્ડ સહિતના મુદ્દે પણ સરકારે ખાસ કોઈ નિર્ણય લીધો નથી. આથી GMERS ફેકેલ્ટી એસોસિયેશન ૧૧મી મેથી આંદોલન છેડનાર છે. જો કે, કોઈ દર્દીઓ સારવાર વિના રઝળી ન પડે એ માટે હડતાળ નહીં કરાશે. પરંતુ શાંતિપૂર્ણ રીતે આંદોલનનો કાર્યક્રમ શરુ કરાશે.
ગાંધીનગર, સોલા, ગોત્રી, વડનગર સહિત ગુજરાત સરકારની મેડિકલ સોસાયટી- GMERS સંચાલિત આઠ જેટલી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ૫૦૦થી વધારે ડોક્ટરો ફરજ બજાવે છે. ફેકેલ્ટી એસોસિયેશના હોદ્દેદારોએ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી સમક્ષ વધુમાં જણાવ્યું હતુ કે, ૫૦ ટકા ડોક્ટરોની નિમણૂંકો થતી નથી. બીજી બાજુ દરેક હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારી દેવાઈ છે. આવા સંજોગોમાં તમામ બેડ પર દર્દીઓને સુચારુ સારવાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. એક વર્ષથી એક પણ રજા લીધા વગર કામ કરતા ડોક્ટરોને પ્રોત્સાહનને બદલે રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટને રૂ.૨.૫૦ લાખ અને સ્મ્મ્જીને રૂ.૧.૨૫ લાખના પગારે નિમણૂંક કરવા નિર્ણય લીધો છે. કોરોનાની મહામારી હોવા છતાં ૫૦૦થી વધારે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ દિવસ રાત કામ કરે છે. હવે ટૂંક સમયમાં ભરતી નહિ થાય તો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાથી ગુજરાતને શ્રેષ્ઠ ડોક્ટર્સ નહિ મળે તે નક્કી છે. બીજી તરફ જે ડોક્ટરો કામ કરી રહ્યા છે તેમને સાતમા પગાર પંચનું એરિયર્સ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં આપવાનું વચન અપાયું હતુ. જે હજી સુધી ચુકવાયું નથી. વધુમાં સરકારે મે-૨૦૨૦માં સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલના ડોક્ટરોને રૂ.૨૫,૦૦૦ પ્રોત્સાહનરૂપે માનદ મહેનતાણું આપવાનું કહ્યા બાદ GMERSના ૯૦ ટકા ડોક્ટરોને તે રકમ પણ આપી નથી.