પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. યાદ રહે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂળ કોંગ્રેસનું રાજ છે. તેમને સત્તામાંથી હાંકી કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી જોરશોરથી મહનત કરી રહ્યો છે. સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવા સાથે હિન્દુત્વ સહિતના પત્તાં ઉતરી રહ્યો છે. એમ છતાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં જાહેર થયેલા ઓપિનિયન પોલમાં ભાજપ માટે સારા સમાચાર નથી. ભાજપ ગમે એટલું જોર લગાવે તો પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી જ ફરી સત્તામાં આવશે એવું આ પોલ કહે છે. ટાઇમ્સ નાઉ અને સી વોટરે કરેલા સરવેમાં પશ્ચિમ બંગાળમાં શાસન ફરીથી તૃણમૂળ કોંગ્રેસ સંભાળે એવા સંકેત મળી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીની તાકાત પણ વધશે. ટીએમસીને 154 બેઠકો મળી શકે એમ છે, તો ભાજપને 107 બેઠકો મળી શકે એમ છે.એબીપી ન્યૂઝ અને સીએનએક્સે કરેલા પોલમાં ટીએમસીને 154 થી 164 બેઠકો મળે એવો અંદાજ મૂકાયો છે.
મતલબ કે પાંચ વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં મમતા બેનરજીના ટીએમસીને 211 બેઠકો મળી હતી, તેમાં આ વખતે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સત્તામાં તો તે પાછાં આવશે, પરંતુ સંખ્યાબળ ઘટતું હોવાના સંકેત મળે છે. આ વખતે 154 થી 164 બેઠકો મળે એમ લાગે છે. હા, ટીએમસીનું સંખ્યાબળ ઘટી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ વધુ શક્તિશાળી બનશે. ભાજપને ફાળે 102 થી 112 બેઠકો જાય એમ લાગે છે. જો આમ થાય તો તે રાજ્યમાં બીજો સૌથી શક્તિશાળી પક્ષ બની રહેશે. જો કે ડાબેરીઓ અને કોંગ્રેસના મોરચાને માંડ 22 થી 30 બેઠકો મળે એમ છે. જો કે મતની ટકાવારીની વાત કરીએ તો ટીએમસીને 42 ટકા મત મળે એમ છે. જ્યારે ભાજપને 34 ટકા મત મળે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના મોરચાને ફક્ત 19 ટકા મત મળી શકે એમ છે. પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ ટીએમસીને ઓછું નુકશાન જોવા મળી રહ્યું છે. ટીએમસીને ગત ચૂંટણીમાં 43.28 ટકા મત મળ્યા હતા, જ્યારે આ વખતે 41.33 ટકા મત મળે છે, મતલબ કે ટીએમસીને મત ટકાવારીની દ્રષ્ટિએ 1.75 ટકા મત ઓછા મળશે, જ્યારે ભાજપ માટે મોટો ફટકો છે. ગત ચૂંટણીમાં ભાજપને 40 ટકા મત મળ્યા હતા. આ વખતે 34 ટકા મત મળે એમ છે, ત્યારે ભાજપને 6 ટા મતનો ફટકો મળે એમ છે.
ઉત્તર બંગાળ ક્ષેત્રમાં 56 બેઠકો છે, જેમાં ટીએમસીને 12 થી 18 બેઠકો મળી શકે એમ છે, જ્યારે ભાજપને 29 થી 35 બેઠકો મળી શકે એમ છે. દક્ષિણ બંગાળમાં ટીએમસીને 119 બેઠકોમાંથી 60 થી 66 બેઠકો મળી શકે એમ છે, જ્યારે ભાજપને અહીં 51 થી 57 બેઠકો મળી શકે એમ છે. એ દ્રષ્ટિએ જોઇએ તો ઉત્તર બંગાળમાં ભાજપ કાઠું કાઢી રહ્યો છે, જ્યારે દક્ષિણ બંગાળમાં ટીએમસીને ફાયદો થઇ રહ્યો છે. જો કે સરવાળે અત્યારે તો બેંગાલ ટાઇગ્રેસને રાહત થઇ હશે કે સત્તા બચી જશે. હાલમાં અનેક ટીએમસી ધૂરંધરો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાઇ રહ્યા છે, ત્યારે મમતા બેનરજીને મોટો ફટકો પડે એવી આશંકા રખાતી આવી છે. પરંતુ ઓપિનિયન પોલ દર્શાવે છે કે ટીએમસીને ઘસારો જરૂર લાગશે, પણ સત્તા બચાવવામાં તેને સફળતા મળશે.