હમારા બજાજ…. આ એક એવી બ્રાન્ડ હતી કે જેને ખરીદવા માટે તમારે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. એક સમય હતો કે તેની ખરીદી માટે ઓન આપતાં પણ સ્કુટર મળતું ન હતું. બજાજના સ્કુટરોની માંગ પણ એવી હતી અને તેનો વ્યાપ પણ એવો હતો. પરંતુ હીરો હોન્ડાના આગમન સાથે બજાજના સ્કુટરો ધીરે ધીરે લુપ્ત થઇ ગયા. પરંતુ હવે ફરીથી બજાજ બ્રાન્ડ આવી ગઇ છે. ચેતક નામનું સ્કુટર એક સમયે પેટ્રોલથી ચાલતું હતું, હવે એ જ બ્રાન્ડ નેઇમ સાથે ઇ સ્કુટર બજારમાં આવી ગયું છે અને તેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે અને તેને કારણે કંપની હવે દેશમાં ફક્ત 2 શહેરોમાં બુકિંગ ચાલતું હતું, તેને વધારીને હવે 24 શહેરોમાં કરી રહી છે. બજાજ ચેતક પર લોકોનો ભરોસો હજુ એવો જ છે, એમ લાગે છે. નેવુંના દાયકામાં હીરો હોન્ડાનું આગમન થયું એ પહેલાં ભારતમાં બજાજ સ્કુટરનો યુગ ચાલતો હતો. મોટા ભાગના લોકો પાસે બજાજના સ્કુટર હતા. એ ઉપરાંત રાજદૂત પણ ખડતલ બાઇક તરીકે ખાસ્સા ચાલતા. પરંતુ બજાજની માંગ વધુ હતી. તેને માટે રજીસ્ટ્રેશન કરાવીને રાહ જોવી પડતી. બહુ ઉતાવળ હોય તો કોઇને ઓન આપીને તેનું સ્કુટર ખરીદાતું હતું.
ઉપરાંત રીસેલ વેલ્યુ પણ તેની સારી હતી. પરંતુ બાઇકનો જમાનો આવ્યો, વધુ માઇલેજ આપતી બાઇકોએ બજાર સર કરી દીધું અને બજારમાં બાઇક આસાનીથી પૈસા લઇને જાવ અને લઇ આવી શકાય એવી સ્થિતિને કારણે બજાજની રાહ જોવાનું બંધ થયું અને ધીરે ધીરે સ્કુટરનો જમાનો જ ખત્મ થઇ ગયો. પરંતુ પેટ્રોલના ભાવ દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે બાઇક પોસાઇ શકે એમ નથી. પેટ્રોલથી ચાલતા બાઇક કે સ્કુટર હવે મોંઘા પડી રહ્યા છે. ઉપરાંત પેટ્રોલથી ચાલતા વાહનો પ્રદુષણ પણ ઘણું ફેલાવતા હોવાને કારણે લોકો હવે ધીરે ધીરે ઇ સ્કુટર ભણી વળી રહ્યા છે. બજાજે પણ ચેતક નામનું ઇ સ્કુટર બજારમાં મૂક્યું છે. બેટરીથી ચાલતું આ સ્કુટરનું રજીસ્ટ્રેશન અત્યારે ફક્ત બે જ શહેરોમાં થાય છે, એમ છતાં વેચાણ 1000 યુનિટનું થઇ ગયું છે. હજુ લોકોએ 50 હજાર ઇ સ્કુટર તો નોંધાવી દીધા છે. મતલબ કે ચેતક ઇ સ્કુટરની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને તેને પગલે હવે ઇ સ્કુટર નોંધાવવા માટે બજાજ બીજા 24 શહેરોમાં રજીસ્ટ્રેશન શરૂ કરી રહ્યું છે. પ્રદુષણ પણ ફેલાતું બંધ થઇ જશે એ આ ઇ સ્કુટરનો મોટો ફાયદો છે. ઉપરાંત પેટ્રોલના ઊંચા ભાવથી પણ રાહત મળશે. નવી ડિઝાઇન સાથે બજાજે ચેતક ઇ સ્કુટર મૂક્યું છે. તેમાં 3 kWh ની ક્ષમતાવાળી બેટરી છે. તે પાંચ કલાકમાં ફૂલ ચાર્જ થઇ શકે છે અને એક વખત ચાર્જ કર્યા બાદ તે 85 થી 95 કિલોમીટર સુધીની સફર ખેડી શકે છે. ચેતક ઇ સ્કુટરની મહત્તમ સ્પીડ કલાકે 75 કિલોમીટરની હોય છે. જો કે આ મોડેલ એક લાખની કિંમતે મળે છે, જે પેટ્રોલથી ચાલતા અન્ય બાઇક કરતાં મોંઘું કહી શકાય છે. બજાજે બે મોડેલ મૂક્યા છે.