કોરોના મહામારીને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાનને સફળતા સાથે પાર પાડવાનો લક્ષ્યાંક રખાયો છે. 16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણ અભિયાનમાં સૌથી પહેલાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવનારા લોકોને વેકસીનેશન આપવાનું શરુ કરવામાં આવ્યું હતુ. જે બાદ સાડા ત્રણ મહિનાથી ગુજરાતમા 18+ વ્યક્તિઓને રસી આપવામાં આવી રહી છે. હવે રસીકરણ ઝુંબેશને 9 મહિના વીતી ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 45%ને પહેલો ડોઝ, જ્યારે 13%ને બંને ડોઝ આપવામાં આવી ચુક્યો છે. જયારે 181 દિવસમાં એક ટકાથી ઓછાં ગામોમાં સંપૂર્ણ રસીકરણ કરાયું છે. રાજ્યના 18 હજાર ગામડામાંથી આજે 155 ગામ જ એવા છે જયાં 100 ટકા રસીકરણ કરાયું છે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની 4.93 કરોડ વસતિમાં 45%ને પહેલો ડોઝ, જ્યારે 13%ને બન્ને ડોઝ અપાયા છે. આવા સંજોગોમાં
રસીકરણને સમય મર્યાદામાં પુરુ કરવા મોટો પડકાર છે. બીજી તરફ ધાર્મિક કાર્યક્રમોમાં છુટછાટ આપવાની માંગ ઉઠી રહી છે. નવરાત્રિને 181 દિવસ બાકી છે ત્યારે રસીકરણની આ સ્થિતિ અનેક આયોજનો સામે સવાલો ઉભા કરશે તે નકકી છે. રાજ્યના જે ગામોમાં 100 ટકા રસીકરણ કરાયું છે. તેમાં સુરત જિલ્લાનાં 105, વડોદરાનાં 15, જૂનાગઢનાં 9 ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 237 ગામમાં 90%થી વધુ અને 325 ગામમાં 80%થી વધુ રસીકરણ થયું છે. 100% રસીકરણ થયું હોય એવાં ગામોની સંખ્યા એક ટકા જેટલી પણ નથી. રાજ્યનાં 8 મહાનગરમાં 18 વર્ષ ઉપરના લોકોની સંખ્યા 1.10 કરોડ છે. જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં આ આંકડો 3.83 છે. મહાનગપલિકાઓમાં 65 ટકાને પહેલો ડોઝ અને 18 ટકાને બન્ને ડોઝ અપાયા છે. મહાનગરોમાં 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 1.10 કરોડ લોકો સામે 93.35 લાખ લોકોએ રસી મુકાવી છે. જયારે જિલ્લાઓમાં 3.82 કરોડની વસ્તી સામે 1.96 કરોડ લોકોએ રસી મુકાવી છે. મહાનગરપાલિકા સિવાય તમામ જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં 39 ટકાને પહેલો ડોઝ, જ્યારે 12 ટકાને બન્ને ડોઝ અપાયા છે. ગુજરાતમાં 16મી જાન્યુઆરી 2021થઈ રસીકરણ ઝુંબેશનો આરંભ કરાયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં 2.90 કરોડ લોકોએ રસીકરણ કરાવ્યું છે. જેમાં 2.23 કરોડ નાગરિકોને પહેલો ડોઝ, જ્યારે 66.93 લાખ નાગરિકોને બન્ને ડોઝ અપાઈ ચુક્યા છે.