ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવા માટે ભાજપ કવાયત કરી રહ્યો છે. ત્યાં જ પાર્ટીમા અસંતોષનો લાવા બહાર આવ્યો છે. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે બપોરે ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો. સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ સાંસદને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે મુલાકાત માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મોકલેલા પત્રમાં લખ્યું હતુ કે, મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેમ હું ઈચ્છું છે. તેથી હું રાજીનામું આપું છું. આ સાથે પત્રમાં લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ તેવી વાતનો ઉલ્લેખ પણ તેમણે પત્રમાં કર્યો હતો.
ઘટનાને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે સાંજે સાંસદ મનસુખ વસાવાના ઘરે ગુપ્ત બેઠક યોજાઇ હતી. ગુપ્ત બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી, જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંભવત ઃ મનસુખ વસાવા બુધવારે ગાંધીનગરમાં પક્ષ અને સરકારના નેતાઓ સાથે મુલાકાત કરી તેમનો નિર્ણય જણાવશે. વસાવાના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને નર્મદા જિલ્લાના સંગઠન પૂર્વ ઇન્ચાર્જ એવા વડોદરા કોર્પોરેશનના સ્થાઇ સમિતિના પૂર્વ ચેરમેન સતીષ પટેલ તાબડતોબ રાજપીપળા પહોંચ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યાની ઘટના બાદ તેના સમર્થનમાં 27 લોકોએ પણ ભાજપને અલવિદા કહેવાની તૈયારી બતાવતા પ્રદેશ પ્રમુખને પત્રો મોકલી આપ્યા છે. આ સાથે જ ભરૃચ જિલ્લા અને તાલુકાના હોદેદારો અને સાગબારાના પ્રમુખ સહિતના નેતાઓએ પાર્ટીની નીતિ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે.