ભારત સાથેની સરહદથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વારંવાર પછડાટ ખાવી પડી રહી છે. પાકિસ્તાની સેનાના ત્રણ સૈનિકોના વઝીરીસ્તાનમાં મોત થયા હતા. જેને પગલે વિદ્રોહીઓને પકડવા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આ દરમિયાન જ બલુચિસ્તાન પ્રાંતમાં ઉગ્રવાદીઓએ પાક.ના 14 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની હતી. કાશમીર સરહદે પણ ભારતની જવાબી કાર્યવાહીમાં પાક.ના એક જવાનનુ મોત થયું હતુ. મીડિયાના અહેવાલો અને સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, પાકિસ્તાનને છેલ્લાં ચારેક મહિનાથી ભારત સાથેનો સંઘર્ષ, આંતર રાષ્ટ્રીય સ્તરે કુટનીતિ અને ખુદ દેશમાં વિવિધ મોરચે પછડાટ મળી રહી છે. વઝીરિસ્તાન પ્રાંતમાં સેના અને બળવાખોરો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જવાનના મોત થયા હતા. આ સાથે જ અહીં પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં બીજી વખત પોતાના જવાનો ગુમાવવાની નોબત આવી હતી. પાકિસ્તાની સેનાએ એ વિશે સત્તાવાર સ્વીકાર પણ કર્યો હતો. તેણે નિવેદન આપતા કહ્યું હતુ કે, ઉત્તર વઝીરીસ્તાનના કબાયલી વિસ્તારમાં વિદ્રોહીઓની સાથે અથડામણમાં ત્રણ જવાન મરી ગયા છે.
પહેલી ઘટનામાં ગુપ્ત માહિતીને આધારે સૈનિકોએ ઉત્તર વઝીરીસ્તાનમાં બે ઓપરેશન શરૃ કર્યા હતા. જેમાં બે શંકાસ્પદ વિદ્રોહીને મોતને ઘાત ઉતારી દેવાયા હતા. જો કે, આ દરમ્યાન જોરદાર ગોળીબારને કારણે ગંભીર ઈજા પામેલા 3 સૈનિકોના મોત થયા હતા. પાક.ના અખબાર ડોનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ વિદ્રોહીઓએ બે દિવસ પહેલા જ ઉત્તર વજીરિસ્તાનના સ્પિનવામ વિસ્તારમાં સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને એકને ઈજા થઈ હતી. થોડાં દિવસ પહેલા જ આતંકવાદીઓએ બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાની તેલ અને ગેસ કામદારોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 14 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના હુમલામાં પાકિસ્તાની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપનીના સાત કર્મચારીઓના પણ મોત થયા છે.
કાફલાની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાન ફ્રન્ટીયર કોર્પ્સના 6 જવાનો આ ઘટનામાં માર્યા ગયા છે. પાક.ની સ્થિતિ જમ્મુ-કાશ્મીર સરહદે પણ સારી નથી. સતત સીઝફાયરના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ આક્રમક રૃખ અખત્યાર કરતા કાર્યવાહી શરૃ કરી છે. જેમાં સરહદે ગોળીબાર કરનારી પાકિસ્તાની સેનાને ભારતીય સૈનિકો તરફથી પણ જડબાતોડ જવાબ મળવા માંડ્યો છે. દરમિયાન ભારતની કાર્યવાહીને કારણે પાકિસ્તાની સેનાના એક જવાનનું મોત થયાના અહેવાલો છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સતત ગોળીબાર કરીને ઉશ્કેરણી કરતા પાકિસ્તાની સૈન્યને જડબાતોડ જવાબ અપાયો હતો. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે એલઓસીના દેવા સેક્ટરમાં ગોળી વાગતાં એક પાકિસ્તાની સૈનિકનું મોત નીપજ્યું હતું. આ જવાનનું નામ ગુજર ખાન હતુ.