અમેરિકાની ચેતવણીને પગલે પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાન ફરી એકવાર મુંઝવણ સાથે લાચારીની સ્થતિમાં મુકાયા છે. 2002માં અમેરિકન સમાચાર પત્ર સ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયાના બ્યુરો ચીફ, પર્લનું અપહરણ કરાયા બાદ તેનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તે પાકિસ્તાનમાં ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન અલ કાયદા વચ્ચેની સાંઠગાંઠ અંગે માહિતી મેળવી રહ્યા હતા. આ ઘટના બાદથી અમેરિકા પર્લને ન્યાયની માંગ સાથે પાકિસ્તાન પર દબાણ કરતુ રહ્યું છે.
પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલા આદેશને પગલે સિંધ વિસ્તારની સરકારે પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કેસમાં સામેલ ચારેયને છોડવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બ્રિટનમાં જન્મેલા અલકાયદાના આતંકવાદી અહમદ ઉમર સઈદ શેખ અને તેના ત્રણ સહયોગીનો આરોપી તરીકે સમાવેશ થયો હતો.
સિંધ હાઈકોર્ટના બે સભ્યોની બેન્ચે સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપ્યા હતા કે, શેખ અને અન્ય આરોપીઓને કોઈ પણ પ્રકારની કસ્ટડીમાં ના રખાઈ. કૉર્ટે તેમની કસ્ટડીને લઇને સિંધ સરકારના તમામ નોટિફિકેશનોને અમાન્ય ગણાવ્યા હતા. હાઈકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતુ કે, ચારેય વ્યક્તિઓને કસ્ટડીમાં રાખવા ગેરકાયદેસર છે. સરકારના નિર્ણય બાદ સિંધ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે જો સુપ્રીમ કોર્ટે તેની અટકાયત પર રોક લગાવવાનો આદેશ આપ્યો હોય તો તેને છોડી મુકવો જોઈએ. પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાને મુક્ત કરવાની હિલચાલ થતાં જ અમેરિકાએ તેની સામે સખત વાંધો લઈને પાકિસ્તાનની ચીમકી આપી હતી. તેને પગલે હવે પર્લના હત્યારાને મુક્ત કરવામાં પાક. મુશ્કેલીમાં મુકાયું છે.
પાકિસ્તાનની કૉર્ટના આદેશ સામે અમેરિકાની તત્કાલિન ટ્રમ્પ સરકારે સખ્ત પ્રતિક્રિયા આપી હતી. સાથે જ આરોપીઓને મુક્ત કરવાની બાબત ચિંતાજનક ગણાવી હતી. બીજી તરફ ડેનિયલ પર્લના માતાપિતા – રુથ અને જુડી પર્લે – સિંધ હાઇકોર્ટના નિર્ણયની નિંદા કરી હતી. અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તેમના પુત્રને ન્યાય આપશે અને પ્રેસની સ્વતંત્રતાની સર્વોચ્ચતાને ફરીથી સ્થાપિત કરશે.
પાકિસ્તાની મીડિયા એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરના આદેશ મુજબ સિંધ પ્રાંતની સરકાર તેમને મુક્ત નહીં કરે. સિંધ પ્રાંતમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે. પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને છોડી મુકવાના સમાચારો બાદ અમેરિકન વિદેશ વિભાગે કહ્યું હતુ કે, અમે ડેનિયલ પર્લની હત્યા માટે જવાબદાર અનેક આતંકવાદીઓને છોડી મુકવાના સિંધ હાઈકોર્ટના આદેશથી ચિંતિત છીએ. અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આરોપીઓને હાલ મુક્ત નહીં કરાય. યુ.એસ. આ કેસમાં તમામ ઘટનાક્રમ પર નજર રાખશે. આ સાથે જ હિંમતવાન પત્રકાર તરીકે પર્લના વારસાને માન આપીને પર્લના પરિવારને સમર્થન ચાલું રાખશે.