ગુજરાતમાં સરકાર અને પોલીસ તંત્રની હાકધાક ઓસરી ચુકી હોય તેમ હત્યા, મારપીટ સાથે લૂંટ જેવી ઘટના ઘટી રહી છે. આ ઉપરાંત દારુ તથા જુગારની પ્રવૃત્તિ પણ ગામેગામ બેરોકટોક ચાલી રહી છે. હવે આ ગેરકાયદે ધંધો કરનારા કે તેની સાથે સંકળાયેલા તત્ત્વો તો બેફામ બની ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બુટલેગર અને હત્યા કેસમાં સામેલ આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ મોટો મીર માર્યો હોય તેવા દેખાવો કરી રહ્યા છે. વડોદરાની એક ઘટના બાદ શરૃ થયેલો સિલસિલો પલસાણા અને સુરત સુધી પહોંચ્યો છે.
થોડા દિવસ પહેલા સુરત નજીક આવેલા પલસાણા તાલુકાના વાંકાનેર ગામના ઉપસરપંચને અંત્રોલી ગામના બુટલેગર ઈશ્વર વાંસફોકડીયાએ રિવોલ્વર બતાવીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બુટલેગર ઈશ્વરની ધરપકડ કરી હતી. જો કે, તે પછી બુટલેગરને કોર્ટમાંથી જામીન મળી જતાં આ શખ્સે અંત્રોલી ગામમાં વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં ડીજેના સંગીત સાથે નાચગાન થયું અને કારનો મોટો કાફલો પણ જોડાયો હતો. રેલીમાં કોવિડની ગાઈડલાઈનના પણ રીતસર ધજાગરા ઉડ્યા હતા. આમ છતાં બુટલેગર સામે પોલીસ અને વહિવટીતંત્રએ મૌન સેવી લેતાં
ગામલોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં વધુ એક ઘટના બહાર આવી છે. જયાં એક આરોપીએ જેલમાંથી છુટીને રેલી યોજી હતી. એક હત્યા કેસમાં સુરતના લીંબાયત વિસ્તારમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક દિવસથી જેલવાસો ભોગવતા આ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. અદાલતમાં આ અરજી મંજૂર થઈ જતાં આરોપી બુટલેગરને પોલીસે મુક્ત કરાયો હતો. આ સમયે તેના સાગરિતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
અને ફટાકડા ફોડીને બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેમ કોઈ સારું કામ કરીને આવ્યો હોય તેમ આ બુટલેગરે કારમાંથી લોકોનું અભિવાદન પણ ઝીણ્યું હતુ. આ રેલીમાં પણ કોવિડના સામાજિક અંતર અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન થયું હતુ. પરંતુ તંત્ર આવા તત્વો સામે નતમસ્તક બની ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી. અસામાજિક તત્ત્વોના મનમાં પોલીસની આજે કોઈ હાકધાક કરી નથી તે વાતની પ્રતીતી આ ઘટના કરાવી રહી છે. જો કે, કાયદામાં રહેલી છટકબારીનો ભરપુર ઉપયોગ ગુજરાતના અસમાજિક તત્વો ફરી કરવા માંડ્યા છે. જે બાબત ચિંતાજનક લેખાવાઈ રહી છે.