પ્રેમ આંધળો હોય છે તેમાં પ્રેમીયુગલ એકબીજાની જાતપાત કે અવગુણોને જોતા નથી તેવી કહેવાત વર્ષોથી પ્રચલીત છે. પરંતુ હાલ યુપીની એક યુવતીના અનોખા પ્રેમે ચકચાર જગાવી છે. ઉત્તર પ્રદેશની એક યુવતીને ચાર યુવકો સાથે પ્રેમસબંધ હતા તે તમામ યુવકો સાથે ભાગી પણ હતી. પરંતુ સૌથી મોટો પ્રશ્ન લગ્ન કોની સાથે કરવા તે હતો. કારણ કે યુવતી સૌથી વધુ પ્રેમ કોને કરે છે તે જ સમજી શકી ન હતી. જેને કારણે તે પરત ઘરે આવી ગઈ હતી.
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ટાંડા વિસ્તારમાં આ ઘટનામાં ત્યાં રહેતી યુવતીના લગ્નનો મામલો આખરે પંચાયતમાં પહોંચ્યો હતો. જયાં હાજર ગામના અને સમાજના અગ્રણીઓ પણ યુવતીની કેફિયત સાંભળી ચોંકી ઉઠ્યા હતા. કારણ કે લગ્નનો નિર્ણય તો યુવતીએ કરવાનો હતો. પરંતુ યુવતીએ પોતાની મૂંઝવણ રજૂ કરીને પ્રશ્ન ઉકેલવા પંચાયત સમક્ષ આજીજી કરી હતી.
અંતે પંચાયતે આ સમસ્યાનો રસ્તો કાઢતા ચિઠ્ઠી ઉછાળીને અંતિમ નિર્ણય કર્યો હતો. આ ઘટનામાં પાંચ દિવસ પહેલા આંબેડકર નગરના ટાંડા વિસ્તારની યુવતી ચાર યુવકો સાથે ઘરેથી રફુચકકર થઈ જતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી.
આ યુવકોએ બે દિવસ સુધી પોતાના સંબંધીઓના ત્યાં યુવતીને રોકાણ કરાવ્યું હતુ. બીજી તરફ યુવતીને તેના પરિવારે શોધી કાઢી પરત ઘરે લઈ ગયા હતા. જે બાદ યુવતીના પરિવારે યુવકો સામે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી શરૃ કરતા જ યુવતીની ચિંતા વધી હતી. કારણ કે તે ચારેય યુવકને પ્રેમ કરતી હતી જેમાં એકને પરણવા માંગતી હતી. આખરે આ પ્રશ્નના ઉકેલ માટે પંચાયત બોલાવાઈ હતી.
બીજી તરફ આ ઘટના બાદ યુવકો યુવતીને ઓળખી જતાં લગ્ન માટે ખચકાટ અનુભવવા માંડ્યા હતા. તેથી પંચાયતે લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. પંચાયતે સૌપ્રથમ યુવતીને પુછયું કે તું કોની સાથે લગ્ન કરવા માંગે છે. તો યુવતી કોઈ ચોક્કસ જવાબ આપી શકી ન હતી. આખરેમાં ચિઠ્ઠી નાખીને નિર્ણય લેવામાં આવે તેવુ પંચાયતે ઠેરાવ્યું હતુ. જે બાદ યુવતી અને યુવક તેમજ તેમના પરિવારે પંચાયતના આ નિર્ણય સાથે સહમતિ દાખવી હતી. પંચે ત્રણ દિવસ સુધી બંધ રૂમમાં આ સમસ્યાને ઉકેલવા ચર્ચા વિચારણા કરવી પડી હતી.
પંચાયતના નિર્ણય બાદ ચારેય યુવકો પણ માની ગયા હતા. જે બાદ એક નાના છોકરાને બોલાવીને એક ચિઠ્ઠી ઉપાડવા કહેવાયું હતુ. બાળકે ચિઠ્ઠી ઉપાડી નામ જાહેર કરતા જ વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ યવતીનો આ પ્રેમસંબંધ યુપીમાં હવે ચર્ચાના એરણે છે.