16 જુલાઈ 2021ના કર્ક સંક્રાંતિ રોજ છે. કર્ક રાશિમાં સૂર્ય ગ્રહના પ્રવેશને કર્ક સંક્રાંતિ પણ કહેવાય છે. હવે સૂર્ય પોતાની સ્થિતિ બદલી રહ્યો હોવાથી કેટલીક રાશીના જાતકોને તેની અસર થશે. જયોતિષાચાર્યોના મતે આ દિવસે સૂર્ય ભગવાન કે જે હાલ મિથુન રાશિમાં છે ત્યાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક અયનથી દક્ષિણાનયનો પ્રારંભ થાય છે. કર્ક રાશિમાં પ્રવેશ બાદ સૂર્ય આગામી 17મી ઓગષ્ટ સુધી કર્ક રાશિમાં જ રહેશે. આ સંક્રાંતિ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી ખૂબ જ વિશેષ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશીના સ્વામી ગણાતા સૂર્ય ભગવાન જગતનો આત્મા છે. તે બધા ગ્રહોનો રાજા છે.
આ વખતે મેષ રાશિમાં, ઉચ્ચનો છે, જ્યારે તુલા રાશિમાં નીચ સ્થાનનો માનવામાં આવે છે. કર્ક રાશિમાં સૂર્યના સંક્રમણથી મેષ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિને મોટા લાભ થઈ શકે છે. આ સમયગાળામાં આ રાશિના જાતકોને મોટી સફળતા મળવી સંભવ છે. જયોતિષાચાર્યો કન્યા રાશિના જાતકોને થનારી અસર અંગે કહે છે કે, સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિના ભાગ્યમાં વધુ સારા ફળ આપશે. આ સમયગાળા દરમિયાન નોકરીમાં બઢતી અને નવો કરાર કરવાના યોગ છે. જે લોકો વિદેશ યાત્રાની ઈચ્છા રાખી રહ્યા હતા તેઓને હવે વિદેશ જવાની તક પણ મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છૂકો માટે આ સમય અનુકૂળ રહેશે. ધર્મ અને સારા કાર્યોના મામલામાં સક્રિયપણે ભાગ લેશો.
મેષ રાશિના લોકો સૂર્યના સંક્રમણને કારણે ઉત્તમ પરિણામો મેળવશે. આ રાશિના જાતકોને અચાનક લાભ થશે. સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય સારો છે. આ સમય દરમિયાન કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ રહેશે. કેટલાક જાતકોને પિતૃ સંપત્તિ કે જે લાંબા સમયથી વિવાદમાં છે તો તેનો ઉકેલ આવી શકે છે. સૂર્યના સંક્રમણ દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ જશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. તુલા રાશિના જાતકો પ્રબળ બનશે. આ સમયમાં તેઓનો સામાજિક દરજ્જો વધશે. ક્ષેત્રમાં નામ અને પ્રમોશન મેળવવાની તકો મળશે. વેપારીઓ લાભ મેળવી શકે છે. જે લોકો સરકારી નોકરીની શોધમાં છે તેમને માટે આ સમય લાભ આપશે. વૃશ્ચિક રાશિ માટે સૂર્યનો સંક્રમણ સમય મોટી સફળતાના યોગ સર્જે તેમ છે. આ સમયે ધંધામાં લાભ ઉપરાંત લગ્ન સંબંધિત વાતોમાં થોડો વિલંબ થવાના ચાન્સ છે. વિવાહિત જીવનમાં કડવાશ ન આવે તેની તકેદારી પણ રાખવી પડશે.