હેલિકોપ્ટર અકસ્માત માટે કુખ્યાત સરકારી હેલિકોપ્ટર પ્રોવાઈડર કંપની પવન હંસને વેચવામાં સરકારનો પરસેવો છૂટી ગયો છે. પવન હંસના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને ઓક્ટોબર 2016માં મંજૂરી આપવામાં આવી હતી. ત્યારપછી ચાર વખત સરકારે આ કંપનીને વેચવાનો પ્રયાસ કર્યો છે. પણ સફળ થઈ શક્યા નહીં. હવે સરકારે કંપનીમાં તેનો 51 ટકા બહુમતી હિસ્સો વેચવાની પ્રસ્તાવિત યોજનાને રદ કરવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ બિઝનેસ ટુડે ટીવીને જણાવ્યું હતું કે આંતર-મંત્રાલય જૂથ ટૂંક સમયમાં વેચાણ પ્રક્રિયાને બંધ કરશે. “નજીકના ગાળામાં પવનહંસમાં ડિસઇન્વેસ્ટમેન્ટની કોઈ શક્યતા નથી,” અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે વેચાણ પ્રક્રિયા બંધ કરવા માટેની ફાઇલ આવતા સપ્તાહે જૂથ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે. નાણા મંત્રી, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીનું એક જૂથ પવન હંસના વેચાણની તપાસ કરી રહ્યું છે.
સ્ટાર 9 મોબિલિટીએ બિડ કરી હતી
અલ્માસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ Star9 મોબિલિટીએ ખોટ કરતી હેલિકોપ્ટર કંપનીમાં સરકારના 51 ટકા હિસ્સા માટે રૂ. 211 કરોડની બિડ કરી હતી. સરકારી માલિકીની ONGC કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. જણાવી દઈએ કે પવનહંસ પાસે 41 હેલિકોપ્ટરનો કાફલો છે.
તાજેતરમાં, NCLTની કોલકાતા બેંચે અલ્માસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી સામે આદેશ પસાર કર્યો હતો. કોલકાતા સ્થિત પાવર સિસ્ટમ સોલ્યુશન્સ કંપની EMC લિમિટેડને હસ્તગત કરવા માટે તેની વિજેતા બિડને માન આપવામાં નિષ્ફળ ગયા બાદ આ ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રએ વેચાણ પ્રક્રિયા અટકાવવી પડી હતી. આ સાથે સ્ટાર 9 મોબિલિટીને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે.
ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી.
પવન હંસ એ સરકાર અને સરકારી માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પ લિમિટેડ (ONGC) વચ્ચેનું 51:49નું સંયુક્ત સાહસ છે. આ હેલિકોપ્ટર સેવા પ્રદાતા મુખ્યત્વે ONGCની ઓફશોર કામગીરી પૂરી પાડે છે અને પર્વતીય અને મુશ્કેલ પ્રદેશો માટે કેટલીક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. વર્ષ 2016માં સરકારે પવન હંસમાં તેનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ધ્યાનમાં લેવાયેલા વિકલ્પોમાંથી એક ઓએનજીસીને કંપનીમાં સરકારનો હિસ્સો હસ્તગત કરવાની મંજૂરી આપવાનો હતો. જો કે, આ વિકલ્પને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. 2018 માં, ONGC એ સરકારના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે સમાન કિંમત અને શરતો પર તેનો સંપૂર્ણ હિસ્સો બિડરને આપવાનું પણ નક્કી કર્યું હતું.