કોવિડ અને ત્યારબાદ મુકાયેલા લોકડાઉનને કારણે વેપાર ધંધાની ગાડી હજી પાટા પર ચઢી ન હતી. ત્યાં છેલ્લાં 25 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનથી વેપાર ધંધાને માઠી અસર પહોંચી રહી છે. ટ્રેકટર અને કૃષિ સાધનોના વેચાણમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. કારણ કે, આ ક્ષેત્રના ખરીદદારો પૈકી મોટાભાગના ખેડૂતો આ આંદોલન સાથે સંકળાયેલા છે.
ભારતમાં મોદી સરકાર સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હજી સુધી કોઈ નિવડો આવ્યો નથી. તેથી હવે ધીરે ધીરે આ આંદોલનની અસર બિઝનેસ પર દેખાવા માંડી છે. કૃષિ મશીનરી અને ટ્રેક્ટર સ્પેરપાર્ટ્સ માટે દેશના સૌથી મોટા બજાર મોરી ગેટનો ધંધો મંદ થયો છે.
તેથી દુકાનદારો હવે ખેડૂત આંદોલન સમાપ્ત થાય તેવું ઈચ્છી રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે ખેડૂત ખેતરમાં નથી ત્યારે કોણ મશીન અને ટ્રેકટરની સંભાળ લેશે. જ્યારે કોઈ જાળવણી કરવામાં આવશે નહીં, ત્યારે સ્પેરપાર્ટ્સની માંગ નહીં રહે તે સ્વાભાવિક છે.
ઓટોમોટિવ અને જનરલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ નિરંજન પોદ્દારે આ અંગે વધુ ફોડ પાડતા કહ્યું હતુ કે, આંદોલનને કારણે 30 ટકા ધંધો ઓછો થઈ ગયો છે. આંદોલનમાં ઉત્તર ભારતના હરિયાણા, પંજાબ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના ખેડૂતો જોડાઈ ગયા છે.
જયાં આ કૃષિ સાધનોની માંગ રહેતી હોય છે. બિહાર, બંગાળ, ઓરિસ્સા, આસામ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડુતો પણ ઓર્ડર આપવા ઉત્સાહ દાખવી રહ્યા નથી. ટ્રાન્સપોર્ટરોએ પણ સરહદની ગતિવિધિને કારણે ભાડા વધારી દેતા વેપારીઓનો ખર્ચ વધી રહ્યો છે અને નફાનું ધોરણ ઘટી ગયું છે.
સરકાર અને ખેડૂત વચ્ચે ચાલતા ગજગ્રાહથી તમામ વ્યવસાયને અસર થઈ રહી છે. દિવાળી પહેલા અને તે પછી કેટલાક દિવસોમાં ધંધો થોડો સુધર્યો હતો. પરંતુ ખેડૂત આંદોલન શરૂ થઈ જતાં ધંધામાં ફરી બ્રેક લાગી ગઈ છે. બજારમાં સ્થિરતા રહેશે, તો જ ધંધો વધશે.
એજીટીડબ્લ્યુએના જનરલ સેક્રેટરી સત્બીરસિંહ રેખીએ કહ્યું હતુ કે, આ સમયે, ટ્રેક્ટર અને તેમના જેવા કૃષિ ઉપકરણોના ભાગોનો વેપાર કરનારાની મુશ્કેલી વધી છે, કારણ કે તેમના ગ્રાહકો તો ખેડૂતો જ છે. ભવિષ્યમાં કોઈ કાયદો ઘડતા પહેલા સરકાર દેશના લોકોનો અભિપ્રાય લે તો સારુ રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.