મોંઘવારીના માર વચ્ચે રાજસ્થાનના લોકો માટે મોટી રાહતના સમાચાર છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. એપ્રિલમાં, ગેહલોત સરકાર ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનામાં નોંધાયેલા લોકોને 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપશે.
ભાજપની આડકતરી રીતે ટીકા કરતા મુખ્યમંત્રીએ આજે રાહુલ ગાંધીની હાજરીમાં આ જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ગેહલોતે કહ્યું, અત્યારે, હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. ઉજ્જવલા યોજના હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને એલપીજી કનેક્શન ગેસ સ્ટવ આપે છે, પરંતુ સિલિન્ડર ખાલી રહે છે. કારણ કે તેની કિંમત હવે 400 થી વધીને 1,040 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી. જો કે કોંગ્રેસ સરકાર બનાવી ન શકી. રાજસ્થાનમાં આ નિર્ણય લઈ કોંગ્રેસ સમગ્ર દેશમાં એક સંદેશ આપવા માંગે છે.