ભારતમાં કોરોના કેસમાં ફરી ઉછાળો આવતાં હવે સરકારે રસીકરણ અભિયાનને વધુ તેજ કરવું પડે તેમ છે. તેથી પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો અસરકારક અને ઝડપી બનાવવા આદેશ થયા છે. બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાનું આયોજન છે. આ ઉપરાંત જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી અપાશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 1લીથી દેશમાં કોરોના વેકસીનેશનનો બીજો તબક્કો શરૃ થનાર છે. આ માટે ૧૦ હજાર સરકારી કેન્દ્રો ઉપર વ્યવસ્થા કરાશે. ઉપરાંત ૨૦ હજાર ખાનગી કેન્દ્રો પણ આ માટે પસંદ કરાયા છે.
ખાનગી કેન્દ્રો પર રસી મુકાવવા માટે પૈસા આપવાના રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે જે પણ નેતાઓ ૬૦ વર્ષથી વધુ વયના હોય અને ૪૫ વર્ષની વધુ વયના હોય તેમજ બિમારી હોય તો તેઓ ઇચ્છે તો રસી લઇ શકશે. કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ રસીનો ચાર્જ આપવા માટે તૈયાર છે. જોકે અન્ય દેશોમાં નેતાઓ પહેલા રસી લઇ રહ્યા છે, તેવું ભારતમાં કેમ નથી, તેવો સવાલ મીડીયાએ પુછતા પ્રસાદે કહ્યું હતું કે તે દ્રષ્ટીકોણ પર નિર્ભર કરે છે. અહીં અમે પહેલા અમારા સ્વાસ્થ્ય કર્મીઓને પ્રાથમિક્તા આપવા માગીએ છીએ. મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિશે કહ્યું હતું કે, બીજા તબક્કામાં દેશભરમાં આશરે ૨૭ કરોડ લોકોને રસી આપવાનું આયોજન છે.
બીજા તબક્કાના વેકસીનેશનમાં ૪૫ વર્ષથી વધુ વયના એવા લોકોને પણ રસી અપાશે. જે લોકોને કોઇ બિમારી છે તેમને પણ તબીબી તપાસ કરી રસી મુકવા આયોજન છે. સરકારી કેન્દ્રો પર આ રસી મફતમાં અપાશે. જયારે ખાનગી કેન્દ્રો પર ચાર્જ વસુલાશે. આગામી ચાર-પાંચ દિવસમાં ખાનગી ધોરણે મુકાનાર રસીના ચાર્જ પણ નક્કી કરીને જાહેર કરી દેવાશે. અગાઉ બીજા તબક્કામાં વડાપ્રધાન, રાજ્યોના બધા જ મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને રસી આપવાનું આયોજન હતુ. જો કે, મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સ્પષ્ટતા કરી ન હતી. દરમિયાન રસી લીધા બાદ મોત નિપજ્યાની ઘટના મધ્ય પ્રદેશમાં ઘટી હતી. જયાં સ્વાસ્થ્ય વિભાગના ૬૦ વર્ષના કર્મચારી રજની સેનને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા પછી તેમનું મોત નિપજ્યું હતું.