ગયા સપ્તાહે કોર્પોરેટ અને શિક્ષણ જગતની બે મહત્વની ઘટનાઓ બની. પહેલી, અશોકા યુનિવર્સિટીના વીસી પ્રતાપ ભાનુ મહેતાનું રાજીનામું અને બીજી, સુપ્રીમ કોર્ટે તાતા – મિસ્ત્રી કેસમાં તાતા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો. પહેલાં આપણે ચર્ચા કરીશું અશોકા યુનિવર્સિટીની. આ એક અલગ યુનિવર્સિટી છે. માત્ર ને માત્ર દાતાઓ અને 50% સ્કોલરશીપ આપીને ચાલતી યુનિવર્સિટી છે. લિબરલ સ્ટડીઝનું શિક્ષણ આપે છે. લગભગ 150 જેટલાં કોર્પોરેટ અને વ્યક્તિઓના દાનના આધારે આ યુનિવર્સિટી ચાલે છે. આશિષ ધવન એના પુરસ્કર્તા છે. હાર્વર્ડ, યેલ જેવી વિદેશી યુનિવર્સિટીની જેમ ભારતમાં પણ આવી યુનિવર્સિટી હોય એવી ઈચ્છાથી તેની સ્થાપના 2014માં થઈ હતી.
આ યુનિવર્સિટીના વીસી હતા પ્રતાપ ભાનુ મહેતા. મૂળ રાજસ્થાનના મહેતા વિદેશી યુનિવર્સિટીમાંથી પોલીટીકલ સાયન્સમાં પીએચડી છે. એમના રાજકીય નિરીક્ષણની સર્વત્ર નોંધ લેવામાં આવે છે. મહેતા હાલની કેન્દ્ર સરકાર વિરુદ્ધ બેફામ લખતાં હતાં. જોકે, યુનિવર્સિટી બોર્ડે તેમને ક્યારેય અટકાવ્યા નથી. ઘણાં લાંબા સમય સુધીના ગજગ્રાહ પછી મહેતાએ પોતે જ રાજીનામું આપી દીધું. ત્યાર પછી તરત જ ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પણ રાજીનામું આપ્યું. એટલે વિવાદ વધ્યો. વિદ્યાર્થીઓએ પણ હડતાળ પાડી. ઘણું બધું લખાયું આ વિશે મીડિયામાં.
મહેતા કે યુનિવર્સિટી તરફથી કોઈ ખુલાસા કરાયા નથી. મહેતાએ પોતે ‘ પોલીટીકલ લાયાબિલિટી’ સમજી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. યુનિવર્સિટીએ રાજીનામું માંગ્યું નથી. કેટલાક મીડિયામાં આ અંગે ખોટો વિવાદ ઊભો કરાયો છે કે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હકીકતમાં તો લખનારની જવાબદારી બનતી હોય છે કે એ કયા ફોરમ માટે લખે છે અને કયા અર્થમાં લખે છે. આથી જ ઘણાં પ્રકાશનોમાં લેખ વિશે સ્પષ્ટતા છાપવામાં આવે છે કે લેખના વિચારો લેખકના છે. સંસ્થા આ સાથે સંમત હોય એ જરૂરી નથી.
અશોકા યુનિવર્સિટીના સત્તાવાળાઓએ પણ એવી સ્પષ્ટતા કરવાની જરૂર હતી કે મહેતાના લેખ સાથે યુનિવર્સિટી સંમત નથી. રાજીનામાનો નિર્ણય મહેતાનો હોય તો તે અંગે પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે . શૈક્ષણિક ક્ષેત્રે આ પ્રકારના વિવાદથી યુનિવર્સિટી તથા જે તે પ્રોફેસરને પણ હાની થતી હોય છે. જ્યારે બુધ્ધિશાળી લોકો વચ્ચે માનસિક યુધ્ધ ખેલાતું હોય ત્યારે આ પ્રકારની ગૂંચવણો વિવાદને વધુ વકરાવે છે.
હવે વાત કરીએ તાતા- મિસ્ત્રી વિવાદની. બન્ને મોટા ઔદ્યોગિક જૂથ, બન્ને પ્રતિષ્ઠિત, બન્ને પારસી, બન્ને કૌટુંબિક રીતે સંકળાયેલા હોવા છતાં વિવાદ થયો. મિસ્ત્રી જૂથનું રોકાણ દાયકાઓથી છે. તાતા સન્સ તાતા જૂથની કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. તેમાં મિસ્ત્રી જૂથનું 18% રોકાણ છે. આટલો બધો ઘરોબો હોવાને કારણે જ રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને તેમના અનુગામી બનાવ્યાં હતાં. પછી શું વિવાદ થયો એમાં આપણે નથી પડવું પણ સંબંધો કઈ રીતે અસર કરે છે અને તેનાથી પ્રતિષ્ઠા કેવી રીતે ખરડાય છે એ સમજવા જેવું છે.
વધુ રસપ્રદ વાત એ છે કે રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતાના લગ્ન સાયરસ મિસ્ત્રીની બહેન સાથે થયા છે. રતન તાતાએ સાયરસમાં કંઈ ગુણ જોયા હશે તો જ પોતાના સાવકા ભાઈના બદલે સાયરસની પસંદગી કરી હશે. રતન તાતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જે રિએક્શન આપ્યું છે તેમાં તેમની વ્યથા દેખાય છે. રતન તાતાએ કહ્યું છે કે એમની પ્રમાણિકતા, નિષ્ઠા પર સવાલ ઊભા કરાયાં હતાં. હાર- જીત તેમના માટે મહત્વની નથી. મૂળ ઝઘડો અહીં હતો. કદાચ સાયરસ મિસ્ત્રીએ રતન તાતા દ્વારા કરાયેલા ભૂતકાળના રોકાણ અંગે સવાલ ઉઠાવ્યા હતાં.
બિઝનેસમાં તમારા તમામ નિર્ણય સાચાં જ ઠરે એવું હોતું નથી. ભૂલ કોઈની પણ થઈ શકે છે. કદાચ માની લો કે રતન તાતાએ ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હતી તો એને વર્ષો પછી તપાસવાની જરૂર નથી. સાયરસ મિસ્ત્રી પણ કદાચ કોઈના દોરવાયા આવા સવાલ ઉઠાવી રહ્યા હોય એવુ પણ બની શકે. દુનિયાભરના ઉદ્યોગપતિ આવી ભૂલ કરી ચૂક્યા હશે. સાચો અનુગામી તો એ હોવો જોઈએ કે જે પુરોગામીની ભૂલ સુધારી નફો કરી બતાવે. કોઈની ભૂલ શોધવી બહુ સરળ છે પણ તેને સાચે માર્ગે લાવવાનું અઘરું હોય છે.
તાતા-મિસ્ત્રી વિવાદમાં શીખવાનું એટલું જ છે કે કોઈની ભૂલ શોધવી એ ગુનો નથી પણ એ ભૂલને સુધારવાના બદલે તેના ઢંઢેરા પીટવા યોગ્ય નથી.
વેરાયટી
– લલિત દેસાઇ