નવી દિલ્હીઃ વન નેશન વન ટેક્સને નામે જીએસટી લાગુ કર્યા બાદ પેટ્રોલ-ડીઝલને મુદ્દે સતત ગુલાટ મારતી કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા રહેશે તેવી શકયતાને નકારી રહી છે. ભારતમાં છેલ્લાં દોઢ વર્ષમાં એટલે કે કોરોના કાળમાં જ મોદી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવને આસમાને પહોંચાડીને પ્રજાના ખિસ્સામાંથી રીતસર લૂંટ ચલાવી છે. જેને કારણે આજે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૃપિયા થઈ ગઈ છે. જયારે ડિઝલ 97 રૃપિયાની આસપાસ વેચાય રહ્યું છે. જેને કારણે ભારતના મધ્યમવર્ગના લોકોમાં સરકાર સામે વ્યાપક નારાજગી ફેલાઈ રહી છે. 2020ના માર્ચ મહિના બાદ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ બેરલનો ભાવ 17 ડોલર જેટલી નીંચી સપાટીએ પહોંચવા છતાં પણ સરકારે ઝીંકેલા આડેધડ અને બેફામ ટેક્સને કારણે ઈંધણની કિંમત 75 રૃપિયા કરતા પણ વધુ રહી હતી. સરકારે હવે આવક માટે પેટ્રોલ ડીઝલના ટેક્સને જ આધાર માની લીધો હોય તેમ આ નીતિનો વિરોધ છતાં કોઈ ફરક પડી રહ્યો નથી.
તેથી લોકોમાં હવે ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સરખા તો નહીં થાય ને તેવી મૂંઝવણ છે. ત્યારે બંનેના ભાવ સરખા થવાની મુંઝવણનો સરકારે ઉકેલ કરી આપ્યો છે. સરકારે સોમવારે આ અંગે ફોડ પાડ્યો હતો કે, આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને એકસરખી રાખવાની દીશામાં કોઈ વિચારણા થઈ રહી નથી. આ સંદર્ભે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું હતુ કે, અત્યાર સુધી GST Council એ પેટ્રોલ અને ડીઝલ, ગેસને GSTમાં સામેલ કરવાની કોઇ ભલામણ કરી નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના કિંમત એકસરખી થાય તે માટે હાલ કોઈ વિચારણા નથી. પેટ્રોલ-ડીઝલની કિંમત VAT અને સ્થાનિક વેરાને કારણે દેશના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ કિંમતે વેચાય છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવના સંદર્ભ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતાં કરી હતી કે, કેન્દ્ર પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ ઇક્સાઇઝ ટેક્સ પેટે 32 રુપિયા વસૂલી રહી છે. જેનો ઉપયોગ ગરીબ કલ્યાણ યોજનામાં કરાય છે.