યુપીએ સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે છાશવારે વિરોધ પ્રદર્શન કરનાર અને મોરચો માંડનાર ભાજપ સત્તા પર આવ્યા પછી આ બંને ક્ષેત્રમાં પ્રજાને રાહત આપી શકી નથી. અરે રાહતની વાત તો ઠીક, પણ ક્રુડના ભાવ પ્રમાણે ઈંધણના ભાવ ફેર કરવાને બદલે તેલકંપનીઓને લૂંટ ચલાવવા ભાજપ સરકારે જ રીતસર છૂટ આપી છે. વર્ષ 2020માં ક્રૂડની આંતરરાષ્ટ્રીય બજારની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે. ભાજપની અગાઉની દલીલ અને સરકારની નીતિ મુજબ તો ક્રુડના આ ભાવઘટાડાની અસર દરરોજ વેચાતા ઈંઘણમાં ઘટાડો કરીને કરવાની હતી. પરંતુ મોદી સરકારે આ બાબતે હજી સુધી રસ દાખવ્યો નથી. ટેક્સના નામે સરકારની તિજોરી ભરવાની મનસામાં દેશની પ્રજા લૂંટાતી રહી છે. જેની સાબિતી ભારતમાં 2020માં પેટ્રોલ અને ડીઝલના વેચાણ ભાવો આપી રહ્યા છે. વર્ષમાં ઈંધણના ભાવોમાં વધારો કરવામાં કંપની અને સરકારે જરાય વાર લગાડી નથી. પરંતુ ઘટાડો કરવામાં મહિનો પણ નીકળી ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારીથી સામાન્ય જનતાને કોઈ રાહત મળી નથી. ઘટવાને બદલે ઈંધણની કિંમતોમાં આ વર્ષે વધારો જ થયો છે. 2020માં જાન્યુઆરીમાં દિલ્હીમાં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ 73.33 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 66.34 રૂપિયા હતો. તો આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા અને ડિઝલના ભાવ 73.87 રૂપિયા પ્રતિ લિટર છે. આમ પેટ્રોલ લગભગ 10 રૂપિયા મોંઘુ થયું છે, જયારે ડીઝલમાં 7 રૂપિયાનો વધારો થયો છે. માર્ચમાં જ્યારે લોકડાઉન લાગુ થયું તો તે મહિને પેટ્રોલ અને ડીઝલનો હાઈ 71.75 રૂપિયા અને 64.34 રૂપિયા પ્રતિ લિટર હતો. જ્યારે લો રેટ 69.63 રૂપિયા પ્રતિ લિટર અને 62.33 રૂપિયા પ્રતિ લિટર રહ્યો હતો. જૂનમાં પેટ્રોલ અને ડીઝલનો હાઈ રેટ 80.47 અને 80.53 રૂપિયા પ્રતિ લિટર હતો. એટલે કે તે સમયે ડીઝલ પેટ્રોલ કરતા પણ વધુ ભાવે વેચાયું હતુ. સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ તો સમગ્ર વર્ષમાં ક્રૂડ લગભગ 16 ટકા સુધી સસ્તું થયું હતું, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાન્યુઆરીથી 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરાયો હતો. માર્ચમાં લોકડાઉન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 20 ડોલર પ્રતિ બેરલથી નીચે રહ્યા હતા. તે સમયમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો ન હતો. બ્રેંટ ક્રૂડમાં જાન્યુઆરીની સરખામણીએ તેમાં 16 ટકાનો ઘટાડો થયો છે.
31 ડિસેમ્બર 2019ના રોજ ક્રૂડ 67 રૂપિયા પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જાન્યુઆરીમાં તેનો ભાવ 69 ડોલર હતો. તો આજે ક્રૂડનો ભાવ 51 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. માર્ચ અને એપ્રિલમાં કોરોનાને કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જયારે એપ્રિલમાં ક્રૂડનો ભાવ 20 ડોલર પ્રતિ બેરલથી નીચે પહોંચી ગયો હતો. જો કે, તે બાદ ક્રૂડના ભાવમાં રિકવરી જોવા મળી હતી. ભારતમાં મોદી સરકાર ભલે ગમે તે દાવા કરે પરંતુ દેશની અર્થવ્યવસ્થા હજુ નાજૂક સમયમાંથી પસાર થઈ રહી છે.
તેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવોથી રાહત આપવા માટે સરકારે તેના કોઈ ટેક્સ ઓછા કરી શકે તેમ નથી. આવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલની કિમતમાં હજી વધારો થવાની શક્યતા છે.
2014માં એક્સાઈઝ ડ્યુટી 9.48 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 2020 સુધી વધીને 32.9 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. ડીઝલ ઉપર 2014માં 3.56 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી લાગતી હતી, જે હવે 31.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ચૂકી છે.