ભારતમાં મોદી સરકારના શાસનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત ગણાતા ઈંધણથી તિજોરીને ભરવાની નીતિ ચાલી રહી છે. એક સમયે વિપક્ષમાં દેખાતો ભાજપ ઈંધણના ભાવ વધારા મુદ્દે જ યુપીએ સરકાર સામે દેશમાં વિરોધ પ્રદર્શન કરતો હતો. પરંતુ આજે સ્થિતિ એ છે કે, સરકારને પેટ્રોલ ડીઝલ પર ડ્યૂટી નાંખીને આવક મેળવવામાં રસ છે. સરકારની બિનઆવડત કહો કે, અણઘડ નીતિ આજે ઈંધણ પર આડેધડ કરવેરાને કારણે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 80 રૃપિયાથી વધુની કિંમતે ઈંધણ વેચાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્રએ કોઈ વધારો કરવાનું મુનાસીબ માન્યું ન હતુ. જો કે, હવે પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયા છે. એક માત્ર આસામને બાદ કરતા ભાજપને કયાંય સફળતા મળી નથી. તેથી હવે તેલ કંપનીઓએ ફરીથી ભાવવધારો શરૂ કરી દીધો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલમાં 15 પૈસા પ્રતિ લીટરે વધારો કરાયો હતો. જયારે ડીઝલમાં પણ પ્રતિ લિટરે 18 પૈસાનો વધારો થયો હતો.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપને લાંબા સમય સુધી ચુંટણીનો સામનો કરવાનો નથી. તેથી ઓઈલ કંપનીઓને મોદી સરકારે ભાવ વધારવા ફરી લીલીઝંડી આપી દીધી છે. હવે આ વધારા સાથે, દિલ્હીમાં પેટ્રોલ 90.55 રૂપિયા અને ડીઝલ રૂ. 80.91 પ્રતિ લીટરે વેચાશે. જયારે મુંબઇમાં પેટ્રોલ રૂ. 96.95 અને ડીઝલ; 87.88 રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલ 92.5 અને ડીઝલ રૂ. 85.90 રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ 90.76 અને ડીઝલ 83.78 રૂપિયા પ્રતિ લિટરે વેચાશે. 27 ફેબ્રુઆરીએ પેટ્રોલ 24 પૈસા અને ડીઝલ 17 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. જે બાદ પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી. તેથી સરકારના ઈશારે જ ઓઈલ કંપનીઓ ચુપચાપ બેસી રહી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો થયો ત્યારે એવી માંગ ઉઠી હતી કે તેને જીએસટીમાં સામેલ કરી દેવાય. જેથી તેમની કિંમતોમાં ભારે ઘટાડો થઈ શકે. જો કે, આ મુદ્દે મોદી સરકાર પહેલાંથી જ વિરોધમાં છે. એક રાષ્ટ્ર અને ટેક્સની વાતો કરનારી મોદી સરકાર માત્ર ઈંધણ પર જ અલગ ડ્યુટી રાખીને તેની બેધારી નીતિનો પરિચય સતત આપતી રહી છે.