કાબુલ પર કબ્જો કર્યા બાદ પણ તાલિબાનનો માથાનો દુખાવો ખતમ થતો નથી. અમેરિકાએ સૈનિકો પરત લઇ લીધા બાદ અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચે યુદ્ધ તીવ્ર બન્યું છે. પંજશીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા તાલિબાનને મોટો ઝટકો લાગ્યો છે અને તેના સેંકડો લડવૈયાઓ માર્યા ગયા છે. અહેમદ મસૂદના નેતૃત્વમાં ઉત્તરી ગઠબંધને ટ્વિટર પર દાવો કર્યો હતો કે 350 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે. બીજી બાજુ, તાલિબાને બુધવારે કહ્યું હતું કે પંજશીર પ્રાંતના નેતાઓ સાથેની વાતચીત નિષ્ફળ રહી છે. અફઘાનિસ્તાનમાં પંજશીર એકમાત્ર પ્રાંત છે જે હજુ પણ તાલિબાનના નિયંત્રણથી મુક્ત છે.
નોર્ધન એલાયન્સે એક ટ્વિટમાં 350 તાલિબાનને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. ઉત્તરી ગઠબંધને કહ્યું કે, “ગત રાત્રે ખાવક વિસ્તારમાં હુમલો કરવા આવેલા 350 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે, જ્યારે 40 થી વધુને પકડીને કેદ કરવામાં આવ્યા છે.” આ દરમિયાન NRF ને ઘણા અમેરિકન વાહનો, હથિયારો અને દારૂગોળો મળ્યો છે. તે જ સમયે, એક સ્થાનિક પત્રકાર નૈતિક મલિકઝાદાના એક ટ્વિટ મુજબ, અફઘાનિસ્તાનના પંજશીરના પ્રવેશદ્વાર પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાન લડવૈયાઓ અને ઉત્તરી જોડાણના લડવૈયાઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે.
અફઘાનિસ્તાનના ખામા અખબારે અહેવાલ આપ્યો છે કે તાલિબાનના માર્ગદર્શન અને પ્રમોશન કમિશનના વડા મુલ્લા અમીર ખાન મોતકીએ જણાવ્યું હતું કે પંજશીર પ્રાંતના નેતાઓ સાથેની વાતચીત નિષ્ફળ રહી છે.
જોકે, તેમણે પ્રાંતના લોકોને તેમના નેતાઓને પ્રેરણા આપવા અપીલ કરી છે, જેથી બંને વચ્ચે સમાધાન થઈ શકે. પંજશીર ખીણ કાબુલથી લગભગ 90 માઇલ ઉત્તરે હિંદુ કુશ પર્વતોમાં સ્થિત છે. અફઘાનિસ્તાનની અગ્રણી ટીવી ચેનલ ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે તાલિબાન નેતા અમીરખાન મુતકીએ પંજશીરના લોકોને રેકોર્ડ કરેલો સંદેશ મોકલ્યો હતો અને તેમને ઇસ્લામિક અમીરાતમાં જોડાવાની વિનંતી કરી હતી. મુતકીના મતે, ‘પંજશીર સમસ્યા’ ઉકેલવા માટે વાતચીત થઈ છે.