ભારતીય ક્રિકેટ જગતમાં લોકપ્રિય ખેલાડી રહેનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દોઢ-બે વર્ષ પહેલાં સંન્યાસ લીધો હતો. જો કે, તે પછી પણ તે ચાહકોના દીલમાં કાયમ રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની હાલમાં IPLની તૈયારીમાં જોતરાયા છે. તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું સુકાન સંભાળનાર છે. હવે ખેલાડીઓ આઈપીએલને લઈને ભારે ઉત્સુક છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ જ એકમાત્ર ટીમ એવી છે જે પોતાના કેપ્ટન સાથે સ્પર્ધાની તૈયારીમાં જોતરાઈ ગઈ છે. જો કે, આવા સમયે જ ધીનીની એક વાયરલ થયેલી તસવીરે ચર્ચા જગાડી છે. આ ફોટો જોનારા તમામ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. કારણ કે ફોટોમાં દેખાતા ધોની કંઈક અલગ જ મુદ્દામાં છે.
થોડા દિવસો પહેલાં જ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો નેટ્સ પર બેટિંગ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. તેને કારણે ચાહકો માની રહ્યા હતા કે, ધોની હવે આઈપીએલની તૈયારી જ કરી રહ્યો છે. પરંતુ હાલમાં વાયરલ થઈ રહેલા ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની બૌદ્ધ ભિક્ષુના રૂપમાં દેખાઈ રહ્યો છે. તેથી IPL પહેલા મહેન્દ્ર સિંહ ધોની હવે સાંસારિક મોહમાયામાંથી તો સંન્યાસ નથી લેવાનાને તેવો સવાલ ઉઠ્યો છે. સ્ટાર સ્પોર્ટના ટ્વીટર પર શેર આ ફોટોમાં ધોનીના માથા પરથી વાળ ગાયબ છે. સાથે જ મહેન્દ્રસિંહ ધોની એક બૌદ્ધ ભિક્ષુકના પોશાકમાં નજરે પડી રહ્યો છે. વળી તે કોઈ જંગલમાં બેઠો હોય તેમ જણાય છે. કેટલાક ચાહકો તો મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર સાચી હોવા અંગે પણ શંકા સેવી રહ્યા છે. જયારે કેટલાક લોકો કોઈ જાહેરાત માટે આ ફોટો પડાવ્યો છે તેવો તર્ક લગાવી રહ્યા છે.
કોરોના મહામારી વચ્ચે પહેલીવાર દેશમાં IPLનું આયોજન થવા જઈ રહ્યું છે. 9 એપ્રિલના રોજ ગત વર્ષની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચેન્નાઈ ખાતે રમાશે. હવે ગત વર્ષે નિરાશ થનારા ધોનીના ચાહકોને આ વખતે યલો આર્મી વિજેતા થાય તેવી આશા છે.