ગત મહિને પાલિતાણા તાલુકાના રોહિશાળા ગામે જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન આદીનાથ દાદાની દેરીને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા દાદાના બંને પગલાના ટોચા મારી ખંડિત કરવામાં આવાં જૈન ધર્મની લાગણી દુભાઇ હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેસની ગંભીરતા સમજી પોલીસ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચનો કર્યા હતા. આ સૂચનોને ભાગરૂપે પોલીસે રોહિશાળા ગામનાં જ ગેમાભાઇ ઉર્ફ પીન્ટુભાઇ રાઘવભાઇ ગોહિલની ધરપકડ કરી પાંજરે પૂર્યો છે.

પાલિતાણા જૈન દેરાસરો ખાતે આ રીતે હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને લઇને જૈન સમાજમાં રોષ હતો. ગુજરાતમાં ઠેરઠેર જૈન સમાજના મોભીઓએ રેલી કાઢીને આરોપીઓને પકડી પાડવા તંત્ર પણ દબાણ આણ્યું હતું. પોલીસે પિન્ટુને પકડી પાડ્યા બાદ તેણે પોતાનો ગુનો કબુલ કરતા કહ્યું હતું કે તે દેરી ખાતે ચોરી કરવા માટે ગયો હતો પરંતુ કોઇ કિંમતી ચીજવસ્તુ મળી આવી ન હતી તેથી અકળાઇને પાસે રહેલ પથ્થરથી પગલાના ટોચા મારી ખંડીત કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપી પિન્ટુ હાલ ભુંડરખા ગામે રહે છે જે રોહિશાળા ગામનો જ વતની હોવાની પોલીસે જણાવ્યું હતું.