રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું મોદીએ ગુરુવારે સવારે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતુ. આ એઈમ્સમાં 750 બેડની સુવિધા રાખવા આયોજન છે. ખાતમુહૂર્ત સમયે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 600થી વધુ મહેમાનો સ્થળે હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ભૂમિપૂજન કરી રાજકોટવાસીઓને મેડીકલ અને સારવાર સુવિધાની ભેટ આપી છે.
મુખ્યપ્રધાન વિજય રુપાણી સવારે રાજકોટ આવી પહોંચ્યા બાદ ખંઢેરીના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.
મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. મોદીએ ભાષણની શરૂઆત ગુજરાતીમાં જ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ કોરોના વેક્સિન અંગે ફોડ પાડતા કહ્યું હતુ કે, ભારતમાં ખૂબ ટૂંક સમયમાં કોરોના વેક્સીનની મંજૂરી અપાશે. આખા વિશ્વનું આ સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. જેમાં સમગ્ર દેશમાં સૌથી મોટી રસીકરણ ઝુંબેશ ચલાવાશે. વેક્સીન દેશના તમામ વર્ગ સુધી પહોંચે તે માટેના આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે.
નવું વર્ષ નવી આશાઓ સાથે કોરોના સામેનો જંગ જીતવા માટે અનેક સંચારો લઈને આવી રહ્યું છે. ભારતમાં વેક્સીનેશન માટે તૈયારી ચાલી રહી છે.
ગુજરાત કોરોના સામે બાથ ભીડવા વેક્સીનેશન માટે પુરતી તૈયારી કરાઈ છે. 2021નું વર્ષ અનેક આરોગ્ય સમસ્યાનું નિરાકરણ કરનારું રહેશે. ભારત હવે ફ્યૂચર ઓફ હેલ્થ, હેલ્થ ઓફ ફ્યૂચરમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. 2014 પહેલા માત્ર 6 એમ્સ તૈયાર હતી, અમે 6 વર્ષમાં 10 એઈમ્સ ચાલુ કરવાની દીશામાં કાર્ય કર્યું છે. એઈમ્સના તર્જ પર જ સુપરસ્પેશિલિટી હોસ્પિટલ પણ બનાવાઈ રહી છે. આયુષ્યમાન ભારત હેઠળ હેલ્થ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારસુધી દોઢ કરોડ લોકોએ તેનો ફાયદો લીધો છે. આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબોના 30 હજાર કરોડ રૂપિયાથી વધુ બચી ગયા છે.
આ ઉપરાંત સરકારે દેશમાં 7 હજાર જન ઔષધિ કેન્દ્ર ચાલુ કર્યા છે. જેથી લોકોને રાહતદરે દવા મળતી થઈ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતુ કે, 2020માં અનેક કોરોના વૉરિયર્સે જીવ ગુમાવ્યા છે. આજે હું તેમને નમન કરું છું. આખું વર્ષ દેશના અલગ અલગ વિસ્તારમાં લાચાર બનેલા લોકોને પણ દેશના નાગરિકોએ ભૂખ્યા સુવા દીધા નથી.
ભારત જ્યારે એકજુથ થાય તો સંક્ટનો સામનો કરવા કેવી શક્તિ ધરાવે છે, તે આપણે આ કોરોના કાળમાં જોયું છે. ભારતના નિર્ણયો સમયપરના હોવાથી જ અન્ય દેશ કરતા કોરોના બાબતે દેશની સ્થિતિ સારી રહી છે. મોદીએ કહ્યું હતુ કે, આપણે હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે વધુ એક ડગલું આગળ વધાર્યું છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજકોટ એઈમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પહેલા જણાવ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ આનંદનો છે. ગુજરાતમાં હવે આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી સુવિધા આપતી હોસ્પિટલ રાજકોટમાં બનવા જઈ રહી છે. અગાઉની સરકારોએ ગુજરાત સાથે હંમેશાં અન્યાય કર્યો હતો. પણ હવે તેમ નહીં થાય.