કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ભારતના ત્રણેય સૈન્ય દળોના વડાઓની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે દેશના પીએમ નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત આવશે. ત્યારબાદ 12 માર્ચે ઐતિહાસિક દાંડી માર્ચનો દિવસ છે. તેથી મોદીએ અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આ માટે સાબરમતી આશ્રમમાં પણ વિશેષ આયોજનની તૈયારી કરી દેવાય છે. મોદી સાથે રાજ્યના સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ હાજરી આપે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, સ્વરાજ્યની ચળવળ વર્ષ 1930માં થઈ હતી. આ સમયે 12 માર્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૃઆત કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય અંગ્રેજી હકુમત પાસે મીઠા ઉપરનો ટેક્સ નાબૂદ કરાવવાનો હતો.
દાંડી યાત્રા નામે ઓળખાતી આ યાત્રા ઐતિહાસિક બની રહી હતી. આજે યાત્રાને 90 વર્ષ વીતી ચૂક્યા છે. આથી પીએમ મોદીએ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતનો કાર્યક્રમ યોજવા નિર્ણય કર્યો છે. જો કે, ગુજરાત સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ ભારત સરકરે 1000 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો હોય, તેની જાહેરાત 12 માર્ચે થાય તેવી ગણતરી મંડાઈ રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ હવે સાબરમતી ગાંધી આશ્રમને પણ સુવિધાસભર બનાવવા સરકારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેના માટે પ્રવાસન સચિવ મમતા વર્મા દિલ્હી પણ જઈ આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ 40 એકર જમીનમાં આકાર પામનારા આ પ્રોજેક્ટનો આરંભ કરવા જ પીએમ મોદી અમદાવાદની મુલાકાત કરનાર છે.