વલસાડ જિલ્લાના સરીગામ ખાતે રહેતી ચાર માસની ગર્ભવતી મહિલાને બુધવારની મધ્યરાત્રિએ અચાનક પેટમાં દુખાવો ઊપડતાં દીયર અને તેમનો મિત્ર કારમાં સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલ લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન કેડીબી હાઈસ્કૂલ પાસે ત્રણ ઈસમોએ બાઇકની આડાશ ઊભી કરી કારને રોકી દીધી હતી. આ લોકોએ દિયર અને મિત્રને માર મારીને બે મોબાઇલની લૂંટ ચલાવીને ફરિયાદીની કારમાં જ મહિલાનું અપહરણ કરીને ભાગી છુટ્યા હતા. ત્રણ ઇસમ અપહરણ કરી 10 કિમી દૂર નિકોલી લઇ ગયા હતા, જ્યારે મહિલાના દિયરને સ્કૂટર પર બેસાડી નગર પાસે લઈ જઈ માર મારતાં અપહરણની ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો. હવે આ કેસમાં કાર્યવાહી કરી ઉમરગામ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ભિલાડ પોલીસ દ્વારા મળતી મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે 6 જાન્યુઆરીના રોજ રાત્રિના સાડાબાર વાગ્યે કારમાં મહિલાને પેટમાં દુખાવો ઉપાડતાં દિયર અને મિત્ર વિકી સાથે સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલમાં જઈ જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન સરીગામની કે.ડી.બી. હાઈસ્કૂલ પાસે શિવસેના ઓફિસ સામે સુનીલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કામલે તથા સૂરજ વિધાનંદ ઝા નામના શખ્સોએ જુની ફરિયાદની અદાવત રાખી કાર સામે મોટરસાઇકલ મૂકી કારને રોકવા ફરડ પાડી હતી. મહિલાના દિયર અને તેના મિત્ર વિકી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
આ ઘટનામાં મહિલાના દિયર સુનીલને મૂઢમાર મારી અને મિત્ર વિક્કીના બે મોબાઈલની લૂંટ કરી હતી. મહિલાના દિયરને સ્કૂટર પર અપહરણ કરી રાય સાગર બિલ્ડિંગ પાસે લઈ જઈ માર માર્યો હતો. મહિલાનો દિયર અંધારાનો લાભ લઈ ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો, જ્યારે મહિલાને કારમાં આબરૂ લેવાના ઇરાદાથી ગુનાહિત બળ વાપરી અપહરણ કરી ગયા હતા. મહિલાનું અપહરણ અંગે ભિલાડ પોલીસને ફરિયાદ કરવામાં આવતાં પોલીસે મહિલાને ઉમરગામ તાલુકાના ધોડીપાડા પંચાયત વિસ્તારના નિકોલી ગામ ખાતેથી કારમાંથી મળી આવી હતી. મહિલાનું મધ્યરાત્રિએ ત્રણ ઈસમ દ્વારા કારમાં અપહરણ કરનાર આરોપીઓનેને શોધી કાઢવા ભિલાડ પોલીસની ટીમ એસઓજી અને એલસીબીની ટીમ કામે લાગી ગઇ હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે ત્રણેય ઈસમને તાબામાં લીધા છે.
મધ્યરાત્રિએ મહિલાને કારમાં ઉઠાવી જઈ 10 કિમી દૂર ડુંગરાળ વિસ્તાર ઝાડી જંગલ વિસ્તારમાં લઇ જતાં સામૂહિક દુષ્કર્મની આશંકા પણ સેવાઈ રહી છે. જોકે મહિલા સાથે સામૂહિક અઘટિત ઘટના બની કે એ પોલીસ તપાસ બાદ બહાર આવશે.