શ્રાવણ મહિનો શરૂ થતાં જ શહેરમાં જુગાર ધામો ધમધમવા લાગે છે અને સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેટમાં પણ જુગાર રમતા લોકો પકડાતા હોય છે. આવો જ એક કિસ્સો જહાંગીરપુરામાં સામે આવ્યો છે જેમાં પોશ ગણાતા નક્ષત્ર નેબુલા એપોર્ટમેન્ટમાં જુગાર રમી રહેલા આઠ શખ્સોને પોલીસે માહિતીના આધારે પકડી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ જહાંગીરપુરા નક્ષત્ર નેબુલા બી. એ-2 ફ્લેટ નંબર 1104માં કેટલાક ઇસમો ગંજીપાના પાના વડે હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને સાંપડી હતી. અહીં પોલીસે રેઇડ કરતા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી.
આ રેઇડમાં ઉદયસિંગ ભરૂભાઇ ડાભી કે જેઓ આ ફ્લેટના માલિક છે તેઓ તેમના બીજા સાત સાથીઓ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. તેમની સાથે જયપ્રકાશ કેવટ, શંભુભાઇ ચાવડા, કિશોરભાઇ ઘોરી, રાજેશભાઇ ભલગામડિયા, નરેન્દ્ર પટેલ, રમણીકભાઇ ચાવડા અને પ્રવિણ પાંચાલી સહિત એક મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. આ રેઇડમાં 78,060 રોકડા, નાળના રોકડા 5000 રૂપિયા, દાવ ઉપરના 59000 રૂપિયા, એક્ટિવાની ડિકીમાંથી 1,00,000 રૂપિયા કુલ મળી 2,42,060 તેમજ તમામના મોબાઇલ જપ્ત કરી મામલો નોંધ્યો હતો.