અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્સની સફળતા બાદ સુરતમાં પણ તાપી રિવરફ્રન્ટ માટે માંગ ઉઠતી રહી છે. જે માટે મનપાએ સતત પ્રયાસો કર્યા છે. આજે તાપી માતાની વર્ષગાંઠે પાલિકાના રિવરફ્ન્ટના 3000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે સુરતમાં રિવર ફ્રન્ટ યોજનાને લીલીઝંડી આપતા જ સુરતીઓમાં આનંદ છવાઈ ગયો છે. હવે આ પ્રોજેક્ટ પાછળ 10,૦૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પ્રોજેક્ટના પહેલા ચરણમાં 3000 કરોડના ખર્ચે કામગીરીનો આરંભ કરાશે. આ પૈકી રૂપિયા 2000 કરોડ વર્લ્ડ બેંક પાસેથી ફંડ મેળવવામાં આવશે.
આ અંગે મ્યુ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે, તાપીમાં ભળતી ગંદકી અટકાવવાનો ઉદેશ્ય પણ આ પ્રોજેકટ સાથે સાકાર થઈ જશે. આ પ્રોજેક્ટનું સ્થળ ઉપર કામ શરૂ થાય તે પહેલા તમામ પ્રકારી મંજૂરી મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત તાપી કિનારે નદીના ઘાટ અને સ્ટ્રીટ કલ્ચર ડેવલપ કરવાનું આયોજન છે. વર્લ્ડ બેંક પાસેથી મેળવનારા ફંડમાંથી મહત્તમ ઉપયોગ પાળા રિ-ડિઝાઇન કરાશે. જયારે પૂર જેવી આફતથી શહેરને બચાવવા માટે કઠોર ગામ સુધીના પાળાને વધુ મજબૂત બનાવાશે. તાપી નદીને વધુ ખૂબસુરત બનાવવાથી સુરતની સુંદરતા પણ વધશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરતના હજીરાથી કઠોર ગામ સુધી તાપી નદીના બંને કાંઠાનો વિકાસ કરાશે. લગભાગ આ વિસ્તારને હાલ 66 કિલોમીટર તરીકે ગણવામાં આવ્યો છે.
એટલે કે, બંને કિનારે 33-33 કિલોમીટર લંબાઇના વિસ્તારને સુનિયોજિત રીતે ડેવલપ કરવાનું આયોજન આ યોજનામાં છે. પ્રોજેકટના બીજા તબક્કામાં વિયરની અપસ્ટ્રીમમાં કામગીરી કરાશે. આ કામગીરી થયા બાદ જ શહેરીજનો રિવરફ્રન્ટનો નયનરમ્ય નજારો માણી શકશે. જો કે, પ્રથમ તબક્કો પૂર્ણ થતાં શહેરીજનો માટે તાપી કિનારો હરવા-ફરવા માટેનું એક સ્થળ બની જશે તે ચોક્કસ છે. કેન્દ્રના નીતિ આયોગ વિભાગ દ્વારા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને મંજૂરીની મ્હોર મારવામાં આવતાં જ હવે બાકીની પ્રક્રિયા આગળ વધશે. સુરત મનપાએ હવે માત્ર સેન્ટ્રલ વોટર કમિશનની મંજૂરી જ મેળવવાની બાકી છે. આ મંજૂરી મેળવી વર્લ્ડ બેંક પાસે રૂપિયા 2000 કરોડનું ફંડ મેળવવામાં આવશે.