કહેવાય છે કે ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે. માનવજીવનમાં કોઈ માને કે નહીં માને પરંતુ નસીબ તેના જીવનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરમાં જ તેલંગાણામાં બનેલી એક ઘટનામાં ગરીબ ખેડૂતને માટે ઉંદર મોટી મુસીબત લઈને આવ્યા છે. આ કિસ્સામાં ગરીબ ખેડૂતે પોતાની સર્જરી કરાવવા બચત કરેલા બે લાખ રુપિયા ઉંદર કાતરી ગયા છે. જેથી આ ગરીબ ખેડૂતને હવે પૈસાની સગવડ કેવી રીતે કરવી તે ચિંતા કોરી રહી છે. ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, તેલંગાણાના મહબુબાબાદ જિલ્લાના વેમુનુર ગામમાં રહેતા રેદયા નાયક નામના ખેડૂત શાકભાજીની ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ પકવેલી શાકભાજી પોતે જ મોટરસાયકલ પર વેચવા નીકળે છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ પેટમાં થઈ રહેલી પીડાથી મુશ્કેલીમાં મુકાયા હતા. રેદયા નાયકને પેટમાં ગાંઠ હોવાથી તેમને અસહ્ય દુ:ખાવો ઉપડે છે. તેની સર્જરી કરાવવી તેમના માટે જરુરી છે. તેઓ પેટની સમસ્યાના નિવારણ માટે જિલ્લાની પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ડોક્ટરોએ તેમને હૈદરાબાદ જઈ સર્જરી સહિતની ટ્રીટમેન્ટ કરાવવા સલાહ આપી હતી. જેનો કુલ ખર્ચ ચાર લાખ થાય તેમ છે.
આથી તેમણે પેટની સારવાર માટે ઘરની તિજોરીમાં પૈસાની બચત કરવા માંડી હતી. વળી આ તિજોરીમાં મુકેલા પૈસા પૈકી કેટલાક રુપિયા તો તેમણે સંબંધીઓ પાસેથી પેટની સારવાર કરવા માટે ઉછીના લીધા હતા. રેદયા નાયકે રૃપિયા 500ની નોટો તો એક થેલીમાં લપેટીને તિજોરીમાં મુકી હતી. તેમણે મહેનત કરીને એક-એક રુપિયો જોડ્યો હતો. જોકે, તેમણે જ્યારે તેમણે આ થેલી બેગ ખોલી તો તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે, થેલીમાં તેમણે મુકેલી 500ની નોટોને કોતરાયેલી હતી. આ નોટ તેમના ઘરમાં ફરતા ઉંદર કાતરી ગયાનું જણાયું હતુ. આ ઘટના બાદ તેઓ એક સ્થાનિક બેંકમાં આ નોટને બદલાવવા માટે ગયા હતા, પરંતુ તેની કન્ડિશન જોઈ બેંકે પણ નોટ બદલા ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રેદયા નાયક જિલ્લાની મોટાભાગની બેંકોમાં નોટ બદલવા પહોંચ્યા હતા. પરંતુ કોઈ બેંકે તેમને નોટ બદલી આપી ન હતી. હવે સ્થાનિક બેંકોએ તેમને રિઝર્વ બેંકમાં જવાની સલાહ આપી છે. RBIના આદેશ અનુસાર, બેંકો કોઈ નોટના અમુક ટૂકડા થઈ ગયા હોય ત્યાં સુધી તેમને બદલીને નવી નોટ આપી શકે છે. વળી, તેનો નંબર દેખાવવો પણ જરુરી છે. જોકે, ઉંદર કાતરી ગયા હોય તેવી નોટ બદલી આપવાનો આરબીઆઈના નિર્દેશમાં કોઈ ઉલ્લેખ નથી. તેથી આ ખેડૂતને માથે મોટી આફત આવી પડી છે.