તીથી અને હિંદુ શાસ્ત્રોના મહિના મુજબ પોષ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો ત્રીજો મહિનો છે. હિંદુ ધર્મમાં પોષ મહિનાને સૂર્ય ભગવાનની આરાધના કરવા માટે મહત્વનો મહિનો માનવામાં આવે છે. માગશર મહિના પછી તે આવતો આ માસ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતમાં દશમા ક્રમે છે. આ મહિનામાં પોષી પૂનમનું ખુબ જ મહત્વ છે. આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે. આમ તો પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખાસ પ્રિય છે.હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમાના રોજ સ્નાન અને સૂર્ય દેવને અર્ઘ્ય આપવાથી વિશેષ લાભ થતો હોવાની માન્યતા છે. સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમા પર જોવા મળે છે. તેથી, આ દિવસે બંનેની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થતી હોવાનું લોકો માને છે. આ દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાથી માનવ પાપોથી મુક્ત બનવાની માન્યતા છે. આ વખતે 28 જાન્યુઆરીએ પોષી પૂર્ણિમા સાથે ગ્રહોનો ખાસ સંયોગ છે. સૂર્ય, શનિ, ગુરુ અને શુક્રની યુતી આ દિવસે રહેવાની છે.
ધાર્મિક માન્યતા એવી છે કે, પોષી પૂનમના દિવસે સવારે સ્નાન કરતા પહેલા ઉપવાસનો સંકલ્પ કરવો. પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરીને, વરુણ દેવને પ્રણામ કરવું. સ્નાન કર્યા પછી સૂર્યમંત્રનો જાપ કરો અને શકય હોય તો સૂર્ય ભગવાનને અર્પણ કરો. આમ કરવાથી ભક્તને ફાયદો થાય છે. ભગવાન મધુસુદનની સ્નાન કર્યા પછી પૂજા કરવી જોઇએ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન અથવા દાન આપો તો તેનું પણ વિશેષ ફળ મળે છે. આ દિવસે તલ, ગોળ, ધાબળા અને ઉનનાં કપડાંનું દાન કરવુ જોઈએ. ગુરુ, મંગળ અને ચંદ્રનો કેન્દ્ર યોગ રહેશે. તેથી અમૃત વરસાદ થશે અને શુદ્ધતાભર્યું વાતાવરણ રહે તેમ છે. આ દિવસે દુર્લભ ગુરુ પુષ્ય નક્ષત્ર પણ હશે.