એલ સાલ્વાડોરમાં બનેલી એક ઘટનામાં 29 વર્ષની યુવતીને એવા કારણસર 9 વર્ષ જેલમાં રહેવું પડ્યું જે માત્ર એક અકસ્માત હતો. સગર્ભા આ યુવતી અકસ્માતે લપસી જતાં તેના ઉદરમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ પોલીસે તે યુવતી સામે જ ફરિયાદ નોંધીને કેસ દાખલ કરી દીધો હતો. હવે જેલમાંથી બહાર આવ્યા પછી તેણીએ સરકારને અપીલ કરતા કહ્યું હતુ કે, અબોર્શન માટેના કડક કાયદામાં બદલાવ કરવો આવશ્યક છે. અત્યાર સુધી મારા જેવી અનેક યુવતીઓ આ કાયદાનો ખોટી રીતે ભોગ બની છે.
મળતી વિગતો એવી છે કે, એલ સાલ્વાડોરમાં રહેતી રોગેસ ગાર્સિયા નામની યુવતી 2012માં 29 વર્ષની હતી. આ સમયે તેણીને 8 મહિનાનો ગર્ભ હતો. એક દિવસે કપડાં ધોવા સમયે તેનો પગ એકાએક લપસી ગયો હતો. જેને કારણે તેણી બેહોશ થતા રહી હતી. જો કે, તે પછી તેના હાથને બેડ સાથે બાંધી દેવાયા હતા. હોસ્પિટલના સ્ટાફનું આ કૃત્ય તે સમયે તેને સમજાયું ન હતુ. જે પછી ચાર દિવસે તેને ઈજાથી થોડી રાહત મળી હતી. જે બાદ તરત જ તેને કોર્ટમાં લઈ જવાઈ અને કોર્ટે તેને સજા સંભળાવી દીધી હતી. કોર્ટે સારા રોગેલ ગાર્સિયાને 20 વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ તે પછી તે સજા ઘટાડીને 9 વર્ષની કરાઈ હતી. આ સજાનું કારણ તે યુવતીના ઉદરમાં રહેલા બાળકનું મોત હતુ. હવે ગત મહિને આ યુવતી જમાનત પર છૂટીને બહાર આવી હતી. જે બાદ તેણીએ મીડિયા સમક્ષ કહ્યું કે અમને મહિલાઓને પણ જીવવાનો હક છે. જે મારી સાથે થયું છે તે એક એક્સિડન્ટ હતો. આમ છતાં મારે સજા ભોગવવી પડી છે. એલ સાલ્વાડોરમાં એબોર્શનને લઈને ઘણા સખત કાયદા છે. પરંતુ હવે તેમાં બદલાવ કરવો જરુરી છે. કોઈ મહિલા મિસ કેરેજ કરાવે અને કોઈને મિસ કેરેજ થઈ જાય તે બંને અલગ અલગ બાબત છે. આવા કિસ્સામાં સરકાર અને તપાસ તંત્ર પુરતી ચોકસાઈ રાખે તે આવશ્યક છે. અલબત કાયદામાં આ વિશે સંશોધન કરીને યોગ્ય ફેરફાર થવો જોઈએ.
દરમિયાન ડાયરેક્ટર ઓફ વુમન રાઈટ્સ ગ્રુપના મોરેના હેરેરાને આ ઘટનાની જાણ થતાં તેમણે કહ્યું હતુ કે, ઘણા ડૉકટર્સ પણ સજાના ડરથી કોઈ જટિલ પ્રેગનન્સીનો ઈલાજ કરવાથી ગભરાય છે. હાલની ઘટનામાં 9 વર્ષ પછી રોગેસને મુક્ત કરાઈ છે. પરંતુ હજુ અનેક મહિલાઓ આવા કારણોસર જેલવાસ ભોગવી રહી છે. એક્ટોપિક પ્રેગનન્સી મહિલાઓ માટે ઘણી જટિલ માનવામાં આવે છે અને તેમાં તેમના જીવને પણ ખતરો હોય છે. એલ સાલ્વાડોરમાં જ એક્ટોપિક પ્રેગનન્સીના લીધે મહિલાઓને કડક સજા આપવાની જોગવાઈ છે. જે યોગ્ય નથી.