ભારતના ભાગેડુ એવા હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મુદ્દે બ્રિટનની કોર્ટે ગુરુવારે ચુકાદો આપી દીધો હતો. આ સાથે જ નિરવ મોદીને હવે ભારતને સોંપી દેવાશે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. જોકે, સુત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીને બ્રિટનમાં હજુ પણ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. નીરવ મોદીને ભારત લાવવા અંગે આખરે નિર્ણય બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ લેશે. ભારતની પ્રત્યાર્પણની માંગ સંદર્ભે બ્રિટન કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેને અંતે કૉર્ટે કહ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા પ્રસ્તુત તમામ પુરાવાઓને અમે ગ્રાહ્ય રાખ્યા છે.
એટલે નિરવ મોદીને બ્રિટન સરકાર ભારતને સોંપી દે તે માટે તાકીદે કાર્યવાહી કરે તે આવશ્યક બન્યું છે. કૉર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. લંડનમાં વેસ્ટરમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં જજ સેમ્યુલ ગૂજીએ કહ્યું કે, હું એ વાતથી સંતુષ્ટ છું કે તમને દોષી ઠેરવવા માટે પુરતા પુરાવા છે. નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું ષડયંત્ર રચ્યું હતુ. પંજાબ નેશનલ બેંકથી લગભગ 2 અબજ ડૉલરની છેતરપિંડીના મામલે હીરા વેપારી નીરવ મોદી ફરાર થઈ ગયો હતો. જે બાદ ભારતે નિરવ મોદીને
પરત ભારત આવી આરોપોનો સામનો કરવા કહ્યું હતુ. પરંતુ નિરવ મોદીએ ભારત આવવા ઈન્કાર કરી બ્રિટનમાં જ કાયદાકીય કાર્યવાહીનો સહારો લીધો હતો. જો કે, છેવટે ભારતની પ્રત્યાર્પણ માંગ અંગે બ્રિટિશ કૉર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દેતા નિરવ મોદીને પછડાટ ખાવી પડી છે. નીરવ મોદીની 19 માર્ચ, 2019ના રોજ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ લંડનની કોર્ટમાં તેવી સામે કેસ ચાલ્યો હતો. જયારે હાલ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે થયેલી સુનાવણી કરવામાં આવી હતી.
હવે આ મામલે કાર્યવાહીનો મદાર બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પર છે. જેઓ મુળ ગુજરાતી છે. 47 વર્ષના પ્રીતિ પટેલ બ્રિટનમાં બ્રેક્ઝિટ સમર્થકોનો અગ્રણી ચહેરો છે. પ્રીતિ પટેલની કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમની ગણના મોટા નેતામાં થાય છે. તેમના પિતાનું નામ સુશીલ અને માતાનું નામ અંજના પટેલ છે. તેમના માતાપિતા મૂળ ગુજરાતના છે.