ભારતમાં રાજકીય નેતાઓ બાદ હવે ખેલકુદ જગતના સિતારાઓ પર બાયોપિક બનાવાય રહી છે. ગત 8 વર્ષમાં મનમોહનસિંહ, પીએમ મોદી, મહેન્દ્રસિંહ ધોની જેવા પર ફિલ્મો બન્યા બાદ હવે ભારતીય ક્રિકટ જગતના મહાન ખેલાડી સૌરવ ગાંગુલી પર બાયોપીક બનાવવાની તૈયારી ચાલી રહી છે. બોલિવુડના ઇતિહાસમાં એમએસ ધોની પર બનેલી બાયોપિક બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આ ઉપરાંત પૂર્વ કેપ્ટન અઝહરૂદ્દીનની જિંદગી પર પણ ફિલ્મ બની ચૂકી છે. સચિન તેંડુલકરના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી મુવી આવી છે. તાજેતરમાં 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ પર ફિલ્મ બની છે. જેમાં રણવીર સિંહ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે. જો કે, કોરોનાના કારણે આ ફિલ્મ હજુ રિલીઝ થઇ શકી નથી. મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટર્સની બાયોપિક પણ બની રહી છે. હવે આમાં સૌરવનું નામ ઉમેરાશે.
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકટ જગતના એક મહાન ખેલાડી અને સારા સુકાની રહી ચૂક્યા છે. ગાંગુલીની આ બાયોપીકમાં સોરવનું પાત્ર ભજવવા માટે જુદા જુદા નામ ચર્ચામાં છે. પરંતુ તેમાં રણબીર કપૂરનું નામ સૌથી વધુ આગળ છે. એક ઇન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ આ અંગે કહ્યું હતુ કે, મારા પર બાયોપીક બનાવવા માટે મેં મંજૂરી આપી દીધી છે. બાયોપીકમાં તેમના ક્રિકેટર બનવાથી લઇ કેપ્ટનશીપ અને પછી બીસીસીઆઈના અધ્યક્ષ સુધીની સફરના કેટલાક હિસ્સાનું નિદર્શન કરાશે. મુવી કયારે રીલીઝ થશે તે અંગે સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. હજુ ડાયરેકટરનું નામ કહેવું શકય નથી. હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. પ્રોડક્શન હાઉસ અને સૌરવ ગાંગુલી વચ્ચે આ વિશે મીંટીંગો થઈ ચૂકી છે. તમામ વસ્તુ નક્કી થવામાં હજી થોડાંક દિવસ લાગશે.
મળતી વિગતો મુજબ પૂર્વ ભારતીય કેપ્ટનની જિંદગી પર બનનારી આ બોલિવુડ ફિલ્મ પાછળ મોટો ખર્ચ થશે. બાયોપિકનું નિર્માણ એક મોટા બેનર હેઠળ થશે. અને હાલ ફિલ્મ મેકર્સે 250 કરોડનું બજેટ નક્કી કર્યું છે. આ ફિલ્મમાં ગૌરવ ગાંગુલીનું પાત્ર ભજવવા માટે અનેક નામોની ચર્ચા થઈ છે. રણબીર કપૂરનું નામ તેમાં સૌથી મોખરે છે. જો કે, તે અંગે હજી અંતિમ નિર્ણય થયો નથી.