પ્રતિવર્ષ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ દેશમાં વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારાઓનું મેડલોથી સન્માન કરવામાં આવે છે. 72 ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રે વિશેષ સેવા આપનારાઓનું સન્માન એવોર્ડ માટે પસંદગી કરી કરાયું હતુ. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ હતી, જેમાં સુરતના ત્રણ પોલીસ જવાનોની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરાઈ હતી.
આ ત્રણેય સુરતના પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવે છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર અને પોલીસ વિભાગે આ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા અને બિનહથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર જિતેન્દ્ર વિઠ્ઠલ પટેલ તેમજ શહેર ક્રાઈમ બ્રાંચમાં બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ કોસાડાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ જ પદ્મશ્રી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડીયાની પસંદગી કરાઈ હતી. આ બંને કલાકારો ભાઈ હતા. જેઓના ગત એક વર્ષમાં જ નિધન થયા છે. આમ 72મા ગણતંત્ર દિવસે ભારતમાં અપાતા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે ગુજરાતના કલાકારો અને કર્મચારીઓની પસંદગી થઈ રહી છે. તેથી ગુજરાત પણ ગૌરવની લાગણી અનુભવે છે.