એવું કહેવાય છે કે જો તમારામાં કંઈક કરવાનો જુસ્સો હોય તો વ્યક્તિ કોઈપણ પદ પ્રાપ્ત કરી શકાય છે. સુરતની વિકલાંગ દીકરી અન્વી ઝાંઝારુકિયાએ આ વાતને વાસ્તવિકતા બનાવી છે. જેણે પોતાની મહેનતથી તે મુકામ હાંસલ કર્યો છે, જ્યાં સુધી પહોંચવું સામાન્ય લોકો માટે માત્ર એક સ્વપ્ન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્વીને યોગના ક્ષેત્રમાં તેની વિશિષ્ટ પ્રતિભા દર્શાવવા માટે રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારથી સન્માનિત કર્યા છે. શારીરિક વિકલાંગતા હોવા છતાં સતત મહેનત અને શીખવાની જીદ સાથે યોગાસનમાં નિપુણતા મેળવીને ‘ધ રબર ગર્લ’નું બિરુદ હાંસલ કરનાર સુરતની અન્વી ઝાંઝારુકિયા નામની યુવતીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.
સોમવાર, 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ. ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2022’ એનાયત કરવામાં આવ્યો. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે દેશભરમાંથી 600 બાળકોની અરજીઓ મળી હતી. જે અંતર્ગત વર્ષ 2022 માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્લોકચેન ટેક્નોલોજી’નો ઉપયોગ કરીને આ દીકરીને એવોર્ડ અને એક લાખ રૂપિયાની રકમ અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે રમતગમત, સમાજ સેવા, શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને શૌર્યના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ માટે પાંચથી અઢાર વર્ષની વયજૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આ 13 વર્ષની વિકલાંગ દીકરીને રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું સન્માન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સુરત અને ગુજરાતને ગૌરવ અપાવનાર આ દિકરીનું 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.