આગામી મહિને એટલે કે એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર અને દ્વારકાની મુલાકાતે આવી શકે છે. જામનગરમાં તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક મથકનું ભૂમિપુજન કરશે તેમજ દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ઓખા-બેટ વચ્ચે ચાલી રહેલા સિગ્નેચર બ્રીજના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરવા જશે એવી માહિતી મળી રહી છે. જો કે વડાપ્રધાન મોદીની જામનગર મુલાકાત અંગે અધિકારીઓને આ અંગે કોઇ વિધિવત જાણકારી મળી ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- ડબલ્યુ.એચ.ઓ)ના વૈશ્વિક મથકની ભારતમાં સ્થાપના કરવા માટે આયુર્વેદ માટે વિશ્વ વિખ્યાત જામનગરની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં કાર્યરત છે. વળી ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા)પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કેમ્પસમાં જ ચાલી રહ્યું છે. આથી સંભવત આ ડલબ્યુ.એચ.ઓ.ના સેન્ટર માટે જામનગર-ખંભાળિયા માર્ગ ઉપર જગ્યા સૂચિત કરવામાં આવી છે અને તે અંગેની નકશા સાથેની દરખાસ્ત ગુજરાત સરકારમાં ઇટ્રા દ્વારા મોકલવામાં આવી છે.