અત્યાર સુધી ભારતમાં ઉપગ્રહ બનાવવા તેમજ તેને અવકાશમાં તરતો મૂકવાનું કામ દેશની અવકાશ સંસ્થા ઇસરો જ કરતું હતું. પરંતુ હવે દેશની ખાનગી કંપનીઓ પણ સ્પેસ બિઝનેસ કરી શકે એ માટે સરકારે મંજુરી આપી દીધી છે. ખાનગી કંપનીઓ દેશમાં તેમજ દેશની બહાર લોન્ચિંગ પેડ બનાવી શકશે. એ માટે ઇસરોએ નવી સ્પેસ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. ઇસરોનું સ્પેસ પોર્ટ અત્યારે શ્રીહરિકોટા ખાતે છે. શ્રીહરિકોટા ખાતે આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ઇસરો તેના રોકેટ લોન્ચ કરે છે. અહીંથી જ દેશના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકાય છે. એ ઉપરાંત વિદેશી ઉપગ્રહો પણ ઇસરો લોન્ચ કરે છે. જો કે દેશમાં ખાનગી કંપનીઓ આ રીતે રોકેટ લોન્ચ કરી શકતી નથી. હવે ખાનગી કંપનીઓને એ તક મળશે. જો કે એ માટે કંપનીઓએ IN SPACe એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર પાસેથી મંજુરી મેળવવી પડશે.
ઇસરોના ચેરમેન કે. સિવાને જણાવ્યું હતું કે, હવે ખાનગી કંપનીઓ ભારતીય અવકાશ સંસ્થા ઇસરો સાથે ભાગીદારી કરી શકે છે. એ ભાગીદારી સાથે જ સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓ કાર્યરત થઇ શકશે. અમેરિકામાં હવે ખાનગી કંપનીઓ ચંદ્ર સુધી પહોંચવાની તૈયારીઓ કરી ચૂકી છે, ત્યારે ભારતે પણ ખાનગી કંપનીઓને અવકાશ ક્ષેત્રે તક આપવાની શરૂઆત કરી છે.
એ સાથે જ ખાનગી કંપનીઓ પોતાની લોન્ચિંગ સાઇટ બનાવી શકશે અથવા તો ઇસરોની લોન્ચિંગ સાઇટનો પણ ઉપયોગ કરી શકશે. રોકેટ બનાવવા સહિતની કામગીરીમાં પણ હવે તક મળી રહેશે. ટૂંકમાં હવે દેશમાં અવકાશ ઉપર સરકારનું નિયંત્રણ હળવા થઇ રહ્યા છે. ખાનગી કંપનીઓ હવે એ ક્ષેત્રે આગળ વધી શકે છે. જો કે એ માટે ખાનગી કંપનીઓ પાસે મોટું રોકાણ હોવું જરૂરી છે. એ વિના અવકાશ ક્ષેત્રે તે આગળ વધી શકે એમ નથી.
યાદ રહે કે ઇસરો પણ અત્યારે બીજું સ્પેસ પોર્ટ બનાવી રહ્યું છે. શ્રીહરિકોટા ઉપરાંત બીજું એક સ્પેસ પોર્ટ જરૂરી બની ગયું છે. અત્યારે કોરોનાને કારણે અવકાશ કાર્યક્રમને બ્રેક ભલે લાગી હોય, પણ ભારતનો અવકાશ કાર્યક્રમ વિશ્વસનીય અને સોંઘો હોવાને કારણે વિદેશની અનેક કંપનીઓ તેમના ઉપગ્રહો ઓછા ખર્ચે ઇસરો પાસેથી લોન્ચ કરાવે છે.